ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની તવાઈ, ૧૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ

413

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ દિવસમાં બેકરી આઇટમ ફરસાણ અને મીઠાઈ બનાવતા ઉત્પાદકો ગૃહ ઉદ્યોગો અને દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરી હતી અને જુદી-જુદી વસ્તુઓના નમુના લઇ ચેકિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

પાંચ દિવસ દરમિયાન ૪૩ યુનિટો અને દુકાનોમાં કરેલા ચેકિંગમાં ૩૬ નમૂના તપાસ માટે લીધા હતા. તારીખ ૯થી ૧૧ સુધી શહેરના મકરપુરા, આજવા રોડ, ગોરવા, બી આઈ ડી સી સન ફાર્મા રોડ અને નવા યાર્ડમાં ૧૬ બેકરીમાં તપાસ હાથ ધરી હતી અને મેંદો, વનસ્પતિ ઘી, બેસન, ખારી બિસ્કીટ, કૂકીઝ, ટોસ્ટ વગેરેના ૧૪ નમૂના લીધા હતા જ્યારે મીઠાઇ ફરસાણની પાંચ દુકાનોમાં કરેલી તપાસમાં આઠ નમૂના લીધા હતા.

જેમાં અંજીર, બરફી, માવો, બેસન, મેંદો વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સ્વચ્છતા અંગેની દસ વેપારીઓને નોટિસ ફટકારી હતી. તારીખ ૧૪ અને ૧૫ના રોજ કારેલીબાગ. બરાનપુરા આજવા. રોડ હરની, કાલુપુરા, મકરપુરા, છાણી, અકોટા, ગોત્રીમાં ૨૨ દુકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાંથી મઠિયા, ચોળાફળી, મેંદો, અડદનો લોટ, ઘી, મીઠાઈ વગેરેના ૧૪ નમૂના લીધા હતા.

કુલ ૧૧ કિલો અખાદ્ય વસ્તુનો નાશ કર્યો હતો. જેમાં ત્રણ કિલો ચણાની દાળ, ત્રણ કિલો મઠીયાનો લોટ, ત્રણ કિલો બન પાઉં, ટોસ્ટ અને કૃત્રિમ રંગનો સમાવેશ થાય છે. ગંદકી બદલ સ્વચ્છતા અંગે કુલ ૧૪ નોટિસો આપી હતી.

Previous articleસુરત હોટલ મર્ડર કેસનાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ
Next articleબે માથા સાથે જન્મેલી બાળકીની સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી