અયોધ્યાના ઐતિહાસિક જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આખરે સુનાવણી પરિપૂર્ણ થઇ ચુકી છે. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો અનામત રાખી દીધો છે. સીજેઆઈ આગામી મહિને ૧૮મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આનાથી પહેલા આ ઐતિહાસિક મામલામાં ચુકાદો આવી શકે છે. સીજેઆઈએ આજે સવારે સ્પષ્ટતા કરી દીધી હતી કે, સાંજે પાંચ વાગ્યા સુધી સુનાવણી પુરી કરી લેવામાં આવશે પરંતુ તેમના આક્રમક વલણના લીધે સુનાવણી એક કલાક પહેલા જ એટલે કે ચાર વાગે જ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી. સીજેઆઈના નેતૃત્વવાળી બંધારણીય બેંચે સંબંધિત પક્ષોને મોલ્ડિંગ ઓફ રિલીફ પર લેખિત નોંધ મુકવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય આપ્યો છે. હકીકતમાં મોલ્ડિંગ ઓફ રિલીફમાં બંને પક્ષો તરફથી અપીલ દરમિયાન જે રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆતથી કેટલીક આગળ પાછળની બાબતોની શક્યતા રહે છે. આ શક્યતાને પણ ચકાસવામાં આવી રહી છે. બંધારણીય બેંચમાં સીજેઆઈ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એએસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નઝીરનો સમાવેશ થાય છે. અયોધ્યા મામલામાં નિયમિત સુનાવણી નક્કી કરવામાં આવ્યા બાદથી ૪૦ દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ પોતપોતાની દલીલો કરી હતી. આજે ૪૦માં દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે ૪૦માં દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલે હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા એક નક્શાને ફાડી નાંખતા બંને પક્ષોના વકીલોમાં ખેંચતાણ થઇ હતી. આને લઇને સીજેઆઈએ કઠોર પ્રતિક્રિયા આપી હતી. મામલામાં સામેલ રહેલા પક્ષો એવા માહોલને સર્જવાના પ્રયાસ કરી રહ્યા છે જે સાનુકુળ નથી. તેમણે કહ્યું હતું કે, અમે સુનાવણીને આ રીતે આગળ વધારવા ઇચ્છુક નથી. લોકો ઉભા થઇ રહ્યા છે અને નંબર આવ્યા વગર પણ નિવેદનબાજી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે પણ ઉભા થઇને મામલાની કાર્યવાહી ખતમ કરી શકીએ છીએ. આજે ૪૦માં દિવસે અખિલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ વિકાસસિંહે એક પુસ્તક અને કેટલાક દસ્તાવેજોની સાથે ભગવાન રામના જન્મસ્થાનની ઓળખ કરીને એક નક્શાને રજૂ કર્યો હતો. મુસ્લિમ પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને દસ્તાવેજના રેકોર્ડમાં નહીં હોવાની વાત કરી હતી અને વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટમાં દસ્તાવેજને ફાડી નાંખવાની પાંચ જજની બેંચને મંજુરી માંગતા ધવને કહ્યું હતું કે, શું તેમને દસ્તાવેજને ફાડી નાંખવાની મંજુરી છે. આ સુપ્રીમ કોર્ટથી મજાક નથી. ત્યારબાદ તેઓએ દસ્તાવેજના ટુકડે ટુકડા કરી દીધા હતા. ધવને વિકાસસિંહ દ્વારા મામલા સાથે જોડાયેલા એક પુસ્તકને જમા કરવાના પ્રયાસ ઉપર પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જોર જોરથી હોબાળો મચાવ્યો હતો અને વિરોધ કર્યો હતો. ધવનની વાંધાજનક ટિપ્પણીની કોર્ટે નોંધ લીધી હતી. સિંહે ભારપૂર્વક કહ્યું હતું કે, સીતા રસોઇ અને સીતા કુપના નક્શાથી જગ્યાની ઓળખ થાય છે જે ભગવાન રામની જન્મભૂમિ છે. સીજેઆઈને લાગ્યું હતું કે, સાનુકુળ માહોલ નથી. ખાસ કરીને મુસ્લિમ પક્ષનું વર્તન યોગ્ય નથી.
આ સંદર્ભમાં કોર્ટની અંદર મામલાઓની સ્થિતિ પર પોતાની પીડા રજૂ કરતા સીજેઆઈએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમે સમજી રહ્યા છીએ ત્યાં સુધી ચર્ચા પુરી થઇ ચુકી છે. હકીકતમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહે નિવૃત્ત આઈપીએસ ઓફિસર કૃણાલ કિશોરના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડને કોર્ટમાં રજૂ કરી હતી. આ પુસ્તકમાં એક નક્શાનો ઉલ્લેખ છે જેને ધવને ફાડી નાંખ્યો હતો. પુસ્તકના લેખક કૃણાલ કિશોરનું નિવેદન પણ સપાટી ઉપર આવી ચુક્યું છે. ધવન ઇન્ટેલેચ્યુઅલ છે. તેઓ જાણે છે કે, જો નક્શાને કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવે છે તો તેનો કેસ કોઇપણરીતે બનતો નથી. જો ધવનને વાંધો હતો તો તેમને આપવામાં આવેલા સમયમાં આના પર વાત કરવાની જરૂર હતી.