સમગ્ર ગુજરાત રાજયમાં આવતીકાલથી ખેડૂતોને ઉનાળુ ખેતી માટે નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવામાં આવશે નહી. નર્મદા ડેમમાં પાણીના ઘટી ગયેલા સ્તરને લઇ ખુદ સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા આ મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. બીજીબાજુ, નર્મદામાંથી સિંચાઇનું પાણી નહી મળે તેવા નિર્ણયને પગલે રાજયભરના ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો છે. નર્મદા ડેમમાંથી માત્ર પીવાનું ચાર હજાર કયુસેક જેટલું પાણી પૂરૂ પાડી શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના સત્તાવાળાઓએ પાણીની તંગી અને ઘટેલા સ્તરને જોતાં ખેડૂતોને તેમની પાસે સ્થાનિક સ્તરે જો પાણીની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા ના હોય તો આ વર્ષે ઉનાળુ પાક ના લેવાની અપીલ કરી છે. કારણ કે, આવતીકાલથી ખેડૂતોને નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી અપાવાનું નથી. નિગમના સત્તાવાળાઓએ પાણી નહી આપવા પાછળ એવો બચાવ રજૂ કર્યો હતો કે, ગત ચોમાસામાં નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદને પગલે હાલ ડેમમાં પાણીનું સ્તર ઘટી ગયું છે અને તેથી પાણીના જથ્થામાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં માત્ર ૪૫ ટકા જ પાણી બચ્યું છે. કમાન્ડ એરિયામાં સ્ટાન્ડર્ડ વોટર સપ્લાય નિયમો મુજબ, પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે ઉનાળુ પાક માટે અપાતા સિંચાઇના પાણી પર નિયમંત્ર મૂકવાનું દર વર્ષે સૂચન કરે છે. આ સત્તાવાર મેન્યુઅલ હોવાનો પણ સરદાર સરોવર નિગમ લિમિટેડના સત્તાધીશો દાવો કરી રહ્યા છે પરંતુ નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇનું પાણી આવતીકાલથી બંધ કરવાના નિર્ણયના પગલે ગુજરાતભરના ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. કારણ કે, એકબાજુ, રાજયભરના ખેડૂતોએ ઉનાળુ પાકની આગોતરી તૈયારીઓ કરી દીધી છે, તેમની મહેનત, પૈસા અને સમય તેમાં જોતરી દીધા છે અને હવે છેલ્લી ઘડીયે સરકારના સત્તાવાળાઓ નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું બંધ કરી રહ્યા છે, તો ખેડૂતો હવે શું કરશે? ખેડૂતોની કમર તૂટી જશે અને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવશે તો તે માટે જવાબદાર કોણ ? એ મતલબનો આક્રોશ ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. આવતીકાલથી રાજયમાં ખેડૂતોને સિંચાઇનું પાણી મળવાનું નહી હોવાથી પાણીની કેનાલ અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી ના થાય તે માટે સરકારના સત્તાવાળાઓએ પોલીસ પહેરો-જાપ્તો તૈનાત કર્યા છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા સહિતના પંથકોમાં પાણીની ચોરી ના થાય તે માટે સરકાર દ્વારા પાણી પર પહેરો એટલે કે, પોલીસનો જાપ્તો બેસાડવામાં આવ્યો છે. આ માટે એસઆરપી અને સ્થાનિક પોલીસના જવાનોને પેટ્રોલીંગ અને વોચમાં તૈનાત કરાયા છે. આ જ પ્રકારે રાજયના અન્ય પંથકોમાં પણ પાણીની ચોરી ના થાય તે માટે તંત્રએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.