શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૫૩ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ૩૯૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. યશ બેંકના શેરમાં ફરી એકવાર સૌથી વધુ ૧૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે એચસીએલ ટેકના શેરમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૬ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપમાં આઉટ પરફોર્મની સ્થિતિ રહી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૪૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૧૬૭ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૯૧૪ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એનએસઈમાં તમામ ઇન્ડેક્સ તેજીમાં જોવા મળ્યા હતા. ઓટો કાઉન્ટરમાં સૌથી વધુ ઉલ્લેખનીય સ્થિતિ રહી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૭૯૧૪ રહી હતી. નિફ્ટી પીએસયુ બેંકમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટીમાં ૦.૪૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઉભરતા માર્કેટમાં આજે વૈશ્વિક સ્તર પર સતત છઠ્ઠા કારોબારી સેશનમાં તેજી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના પ્રથમ બે સપ્તાહના ગાળામાં જ ભારતીય મૂડી માર્કેટમાંથી ૬૨૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડવોરને લઇને ચિંતાની સીધી અસર જોવા મળી રહી છે. પહેલીથી ૧૧મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૪૯૫૫.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૬૧.૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછી ખેંચી લેવાયેલી રકમનો આંકડો ૬૨૧૭.૧ કરોડનો રહ્યો છે. સ્થાનિક મૂડી માર્કેટમાંથી અગાઉના મહિનામાં જંગી નાણા પરંત ખેંચાયા હતા. બિન ખાદ્યવસ્તુઓની કિંમતમાં ઘટાડાના પરિણામ સ્વરુપે સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ મોંઘવારીનો દર ઘટીને ૦.૩૩ ટકા થઇ ગયો છે. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. હોલસેલ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં એ૧.૦૮ ટકા તથા સપ્ટેમ્બર ૨૦૧૮માં ૫.૨૨ ટકા હતો. આંકડાઓના કહેવા મુજબ મેન્યુફેક્ચરિંગમાં હોલસેલ મોંઘવારીનો દર ૦.૧ ટકા રહ્યો છે. ફ્યુઅલ તથા વિજળી ક્ષેત્રમાં મોંઘવારીનો દર ૦.૫ ટકા રહ્યો છે. ફળફળાદી, શાકભાજી, ઘઉં, માંસ તથા દૂધના હોલસેલ મોંઘવારીના દર ૦.૬ ટકા રહ્યો છે. હોલસેલ મોંઘવારીના ઇન્ડેક્સમાં પ્રાથમિક પેદાશોની હિસ્સેદારી ૨૨.૬૨ ટકા રહી છે. શેરબજારમાં હાલ ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. આના માટે અનેક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. એકબાજુ આર્થિક મંદીને લઇને રોકાણકારો રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. બીજી બાજુ મૂડીરોકાણકારો મોટા જોખમ લેવા ઇચ્છુક નથી. વૈશ્વિક સ્તર ઉપર પણ અનિશ્ચિતતાના વાતાવરણમાં મંદી પ્રવર્તી રહી છે. આયાત અને નિકાસ બંનેમાં મંદી વચ્ચે ઘટાડો થયો છે. આગામી દિવસોમાં આ સ્થિતિમાં કોઇ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. દેશની અર્થવ્યસ્થાને લઇને બે મોટા હેવાલ આવી રહ્યા છે. દેશમાં સપ્ટેમ્બર માસમાં આયાત નિકાસ ડેટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા મુજબ આયાતમાં ૧૩.૮ ટકા અને નિકાસમાં ૬.૫૭ ટકાનો ઘટાડો થયો છે. જો કે આ ગાળા દરમિયાન વેપાર ખાદ્ય ૧૪૯૫ કરોડ ડોલરથી ઘટીને ૧૦૮૬ કરોડ ડોલર થઇ ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં ક્રુડ ઓઇલની આયાત ૧૮.૩૩ ટકા ઘટીને ૧૦૯૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મેકેન્ડાઇઝ નિકાસનો આંકડો ૬.૫૭ ટકા સુધી ઘટી ગયો છે. સાથે સાથે આ આંકડો ઘટીને ૨૬૦૬ કરોડ સુધી પહોંચી ગયો છે. કુલ આયાત ૧૩.૮૫ ટકા ઘટીને ૩૬૮૯ કરોડ ડોલરની આસપાસ રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં કુલ નિકાસમાં ઘટાડો થયો છે.