ભૂજ-પાલનપુર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, હજારો મુસાફરો અટવાયા

392

પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનમાં સવારે ભૂજ પાલનપુર ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઊતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એન્જિન ટ્રેક પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને કારણે હજારોની સંખ્યામાં મુસાફરો અટવાયા છે. કેટલીક ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશન પર અટકાવી દેવાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંજાર તાલુકાના પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનના ભીમાસાર સ્ટેશન યાર્ડના રેલવે ક્રોસિંગ ૨૨૫ પર ટ્રેન નંબર ૫૯૪૨૬ પાલનપુર-ગાંધીધામ પેસેન્જર ટ્રેનનું એન્જિનના ૮ પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. જેને કારણે રેલવે સેવા પર મોટી અસર થઈ છે. ટ્રેન નંબર ૧૯૧૧૫ સયાજીનગરીને ભચાઉ, નંબર ૨૨૯૫૫ કચ્છ એક્સપ્રેસને સામખીયાળી અને ટ્રેન નંબર ૧૪૩૨૧ આલાહજરતને આડેસર રેલવે સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી. અગિયાર વાગ્યા સુધીમાં ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ થાય તેવી શક્યતા છે. જોકે, આ ઘટનામાં અનેક મુસાફરો અધવચ્ચે જ અટવાયા છે. ઘટના બાદ રેલવે પ્રશાસને તાત્કાલિક કામગીરી હાથ ધરી છે, જેથી રાબેતા મુજબ રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરી શકાય. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, અને મોટી દુર્ઘટના ટળી છે.

Previous articleરીક્ષા ડ્રાઇવિંગની આડમાં ગાંજો વેચતા પિતા-પુત્ર ઝડપાયા
Next articleલવ જેહાદ : હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન ભાગી જતા હાહાકાર