આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં મેટલ ડિટેક્ટર મશીન વસાવવામાં આવેલ છે. જેમાં મોટા પશુઓના શરીરમાં કોઈ પણ મેટલ પાર્ટ હોય તેને સરળતાથી શોધી શકાય છે. ગુજરાતમાં આ પ્રકારનું મશીન પહેલીવાર લાવવામા આવ્યું છે, આ મશીનથી હવે પશુઓનો જીવ બચાવી શકાશે. પ્રાણીઓના પેટનું ઓપરેશન દરમિયાન મળતા પ્લાસ્ટિકના કિસ્સા વારંવાર આવતા હોય છે. ગુજરાતમાં રખડતા પ્રાણીઓ રસ્તા પર કંઈ પણ ખાઈ લે છે. જેમાં પ્લાસ્ટિક, મેટલ, કપડા જેવી અન્ય વસ્તુઓ તેમના પેટમાં જતી રહે છે. જેને કારણે પ્રાણીઓના મોત પણ નિપજતા હોય છે. ઓપરેશન બાદ પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળવાના પણ અનેક બનાવો બન્યા છે. ત્યારે પ્રાણીઓના પેટમાં જતા મેટલને દૂર કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ ખાસ મેટલ ડિટેક્ટર મશીન વસાવવામાં આવ્યું છે તેવું વેટરનરી ડિપાર્ટમેન્ટના હેડ ડો. પી.વી. પરીખે જણાવ્યું હતું. આ મશીનથી પ્રાણીઓના પેટમાં રહેલ મેટલને સરળતાથી શોધી શકાશે. ચરોતર પ્રદેશમાં મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં પશુધનનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે મેટલ ખાઈ જવાને કારણે અનેક પ્રાણીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. સામાન્ય રીતે માણસો માટે આ પ્રકારના સ્કેનરનો ઉપયોગ થતો હોય છે. ત્યારે રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટી દ્વારા આવા મોંઘા મશીનો વસાવી પશુપાલકોને મોટી રાહત આપી છે.
Home Gujarat Gandhinagar હવે પ્રાણીઓના પેટમાં ગયેલું મેટલ શોધી શકાશે, આણંદ યુનિવર્સિટીમાં ખાસ મશીનનું આગમન