કતારગામ રામજીનગર સોસાયટીમાં મકાનમાલિક સાથે ભંગારના વેપારીએ ૪૦ ફુટથી ઊંચાઈ પરથી ૫૦ કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંકતા આરટીઓ એજન્ટનો ભાઈ બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો. જેના પર આ દાદર પડતા તેને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ યુવકના અંગોનું દાન કરી પાંચને નવું જીવન આપ્યું હતું.
ઘટનાની વિગત પ્રમાણે સોસાયટીમાં રહેતા વિષ્ણુ પંડયાએ મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું. જે મકાનમાં મકાનમાલિક ભંગારનો સામાન આપવા માટે ભંગારના વેપારી અને અન્ય એક મજૂરને લઈને ૧૫મી તારીખે સવારે આવ્યા હતા. ભંગારના વેપારી સાથે મકાનમાલિકે ટેરેસ પરથી લોંખડનો દાદર નીચે ફેંક્યો હતો. તે સમયે ત્યાંથી આરટીઓ એજન્ટનો ભાઈ જીતેન્દ્ર દેસા્રૂઉ.વ.૨૫) ત્યાંથી ઝોમેટોમાં નોકરી પર જવા માટે નીકળ્યો ને દાદર જીતેન્દ્રના માથા પર પડતાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ બ્રેનડેડ જાહેર કરાયો હતો. જેથી મકાનમાલિક વિષ્ણુ પ્રસાદ પંડ્યા તથા ભંગારના વેપારી આમીન રજાક શેખની ગંભીર બેદરકારી સામે આવતા કતારગામ પોલીસે આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
ખાનગી હોસ્પિટલમાં જીતેન્દ્રને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સીટી સ્કેન કરાવતા મગજમાં ડાબી બાજુના હાડકામાં ફ્રેકચર તેમજ મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદગત રોજ બ્રેનડેડ જાહેર કરાયો હતો. જેથી ડોનેટ લાઈફનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જીતેન્દ્ર બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર કરીને શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોનું દાન કર્યું છે.
અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા બે કિડની અને લિવરનું દાન સ્વિકારવામાં આવ્યું હતું અને ત્રણ દર્દીઓને નવજીવન આપ્યું હતું. જ્યારે ચક્ષુઓના દાનથી બેને આંખો આપી હતી. ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૩ કિડની, ૧૩૭ લિવર, ૭ પેન્ક્રીઆસ, ૨૩ હૃદય, ૪ ફેફસાં અને ૨૪૮ ચક્ષુઓ મળી કુલ ૭૬૨ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૬૯૮ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.