ખેતી- ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય  : રાજ્યપાલ

717

રાજ્યપાલઆચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય હોવાનું જણાવ્યુ છે.

રાજ્યપાલએ ભાવિ પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા, પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની સુરક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા તથા શ્રી નર્મદા ગૃપ ઝઘડિયાના ઉપક્રમે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ખેડૂત જાગૃત્તિ શિબિરને ખુલ્લી મુકી હતી. આ શિબિરમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્યમાં સુભાષ પાલેકરજી પ્રેરિત પ્રાકૃતિક કૃષિ ખેડૂત અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જ ખેડૂતોની આવક બમણી કરી શકાશે. રાજ્યપાલએ જણાવ્યું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે ઉત્પાદન મેળવીને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની શકે છે. એટલુ જ નહી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઝેરથી મુક્ત કૃષિ ઉત્પાદનો મેળવવાથી લોકોના સ્વાસ્થ્યની પણ રક્ષા થશે.

રાજ્યપાલએ જણાવ્યું કે, પાલેકરજી ખેતીમાં એક ગાય દ્વારા ૩૦ એકરની ખેતી થઈ શકે છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર, ગોળ, બેસન અને માટીના મિશ્રણથી તૈયાર થતું જીવામૃત ચાર દિવસમાં તૈયાર થાય છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. આ જીવાણુંઓ જ કૃષિ માટે અગત્યના છે. તેમણે ઉમેર્યું કે, જીવામૃત અને ઘનજીવામૃતમાં આવા કરોડો જીવાણુંઓ હોય છે જે કૃષિ પાકના મૂળ સાથે સહજીવન કરી પાકને પોષણ આપે છે. દુનિયામાં આનાથી શ્રેષ્ઠ કોઈ પધ્ધતિ નથી તેમ જણાવી તેમણે પોતાની ૨૦૦ એકર જમીનમાં થઈ રહેલી પાલેકર ખેતી અંતર્ગત એક રૂપિયાનો બજારમાંથી સામાન ખરીદ્યા વિના શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleઇલેકટ્રોથર્મના કરોડોના કાંડમાં દાખલ કરાયેલી FIR
Next articleકરજણ તાલુકાના દેઠાણ ગામે પ્લાસર ઇન્ડિયાના રેલ ઉપકરણ પ્લાન્ટનું લોકાર્પણ