રાફેલ વિમાનની પૂજા કરવાને લઇને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જારી વિવાદ ખતમ ન થતાં આ મામલે હવે પ્રચારમાં પણ આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. હરિયાણામાં ચૂંટણી રેલીને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, રાફેલ વિમાન ઉપર શસ્ત્રપૂજા વેળા જો ઓમ ન લખ્યુ હોત તો બીજુ શું લખવાનું હતું તે બાબત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી બતાવે તેમ અમે ઇચ્છીએ છીએ. યુદ્ધ વિમાન રાફેલ પર થયેલા વિવાદના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, રાફેલ વિમાન પર ઓમ લખવામાં આવ્યું તો લોકોએ કહ્યું છેકે, ઓમ કેમ લખ્યું છે પરંતુ તેઓ રાહુલ ગાંધીને પ્રશ્ન કરવા માંગે છે કે, જો શસ્ત્રપુજામાં ઓમ ન લખ્યે તો બીજુ શું લખવું જોઇએ. તેઓએ એમ પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીયરીતે ચગાવવાના પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કેમ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને બીજા દેશો સુધી લઇ જવા માટે પ્રયાસ કેમ કરી રહી છે. રાફેલની પૂજાને લઇને મોદી સરકાર ઉપર સતત પ્રહારો કોંગ્રેસ અને અન્ય પાર્ટીના લોકો કરી રહ્યા છે અને આને નાટક તરીકે પણ ગણાવી ચુક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, બાળપણથી તેઓ માને છે કે, કોઇ મહાશક્તિ ચોક્કસપણે રહેલી છે.
અત્રે નોંધનીય છે કે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહે હાલમાં જ પેરિસમાં જઇને ૩૬ રાફેલ યુદ્ધવિમાનોના કાફલા પૈકી પ્રથમ રાફેલ વિમાન મેળવ્યું હતું. એટલું જ નહીં ત્યાં તેઓએ રાફેલ વિમાનમાં ઉંડાણ પણ ભરી હતી. વિમાનને રિસિવ કર્યા બાદ રાજનાથસિંહે દશેરાના પ્રસંગે શસ્ત્રપૂજાની વિધિ પણ કરી હતી. રાજનાથસિંહે રાફેલ ઉપર ઓમ લખવાના સંદર્ભમાં કેટલાક લોકો નિંદા કરી ચુક્યા છે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંદીપ દિક્ષિતે આ પ્રકારથી વિમાનની પૂજા કરવાને લઇને વાંધો ઉઠાવ્યો હતો. સંરક્ષણમંત્રીએ ભારત પરત ભર્યા બાદ વિવાદને લઇને પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, તેઓએ એજ કામ કર્યું હતું જે યોગ્ય લાગ્યું છે. અમારી આસ્થા છે કે, કોઇ મહાશક્તિ રહેલી છે.