જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી રાંચીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શરૂઆતની બંને ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શ્રેણી ૩-૦થી જીતી લેવા માટે ભારતીય ટીમ સજ્જ છે. ટેસ્ટ મેચમાં ટોસ નિર્ણાયક રહેનાર છે. બીજી ટેસ્ટ મેચ પણ ભારતે જંગી અંતર સાથે જીતી હતી.ભારતે પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલીના અણનમ ૨૫૪ રન બાદ ભારતીય બોલરોના શાનદાર દેખાવના પરિણામ સ્વરુપે ભારતે આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પોતાના નામ ઉપર કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૫ રન પર ઓલઆઉટ થઇ ગયા બાદ દક્ષિણ આફ્રિકાને કેપ્ટન વિરાટ કોહલીએ ફોલોઓનની ફરજ પાડી હતી અને બીજી ઇનિંગ્સમાં આફ્રિકાના બેટ્સમેન ફરી એકવાર નિસહાય દેખાયા હતા. બીજી ઇનિંગ્સ ચોથા દિવસે અંતિમ સેશનમાં ટી બાદ પૂર્ણ થઇ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની બેવડી સદી અને મયંક અગ્રવાલના ૧૦૮ રનની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૬૦૧ રન બનાવ્યા હતા. મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની બે ઇનિંગ્સ ૨૭૫ અને ૧૮૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ બંને ઇનિંગ્સ મળીને પણ આફ્રિકાની ટીમ ભારતના સ્કોર સુધી પહોંચી શકી ન હતી. ટીમ ઇન્ડિયાના તમામ બોલરોએ જોરદાર દેખાવ કર્યો હતો. આફ્રિકાના બેટ્સમેનો મેદાન ઉપર ટકી શક્યા નહતા. જે પીચ ઉપર દક્ષિણ આફ્રિકાની ટીમ ઝડપી અને સ્પીન બોલિંગ સામે નિસહાય દેખાઈ હતી ત્યાં ભારતીય ૂબોલરોએ શાનદાર રમત દર્શાવી હતી. બીજી ઇનિંગ્સમાં ઉમેશ, રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ઉમેશ યાદવે ત્રણ અને રવિચંદ્રન અશ્વિને ૪ વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડિયાના ત્રણ ઝડપી બોલરોએ પણ ઉપયોગી બોલિંગ કરી હતી. સ્પીનર અશ્વિન અને જાડેજાએ પણ વિકેટો મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચોમાં ૩૨૯ ઇનિંગ્સમાં તથા વિરેન્દ્ર સહેવાગે ૧૦૪ ટેસ્ટ મેચની ૧૮૦ ઇનિંગ્સમાં છ-છ બેવડી સદી ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચને જંગી અંતરથી જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીને લઇને ભારે રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે નવ વાગ્યાથી કરવામાં આવનાર છે.
ભારત : વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ.
આફ્રિકા : ડુપ્લેસીસ, બાઉમા, ડિબ્રુયન, ડીકોક, એલ્ગર, હમજા, કેશવ મહારાજ, મારક્રમ, મુત્તુસ્વામી, લુંગીગીડી, નોરજે, ફિલાન્ડર, પીટ, રબાડા અને સેકન્ડ.