દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલને ૬ મહિનાની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીના રાઉજ એવન્યુ કોર્ટે ભાજપના નેતા મનીષ ઘાઇના ઘરે બળજબરીથી પ્રવેશ કરવાના કેસમાં રામનિવાસ ગોયલને સજા ફટકારી છે. કોર્ટે રામનિવાસ ગોયલ, તેમજ તેમના પુત્ર સુમિત ગોયલ સહિત ૫ લોકોને ૬-૬ મહિનાની સજા સંભળાવી છે. તેમજ એક હજારનો દંડ ફટકાર્યો છે.
ચુકાદા પ્રમાણે, રામનિવાસ ગોયલ અને અન્ય ૪ લોકોને પીડિતના ઘરે બળજબરીથી પ્રવેશ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે રામનિવાસ ગોયલનો પુત્ર સુમિત ગોયલ પીડિતના ઘરે બળજબરીથી પ્રવેશ કરી માર મારવા બદલ દોષી સાબિત થયો છે.
આ કેસ તા ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ નો છે. આ તમામ લોકોએ ભાજપના નેતા મનીષ ઘાઇના ઘરે પ્રવેશ કર્યો હતો અને તેમને માર માર્યો હતો. જોકે, રામનિવાસ ગોયલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમને એવી માહિતી મળી હતી કે ભાજપના નેતાના ઘરે ધાબળા અને દારૂ છુપાયેલા છે, જે ચૂંટણી પહેલા ગરીબોમાં વહેંચવામાં આવશે.
તેણે પોલીસને આ માહિતી આપી હતી અને પોલીસ સાથે પીડિતના ઘરે પ્રવેશ કર્યો હતો. પરંતુ કોર્ટે રામનિવાસ ગોયલ અને અન્યની દલીલો સાંભળી ન હતી અને દોષિત ઠેરવતા ૬-૬ મહિનાની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.