શેરબજારમાં હાલમાં ચાલી રહેલા તેજીના દોરનો સિલસિલો આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. ચીનના જીડીપીનો આંકડો ૨૭ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હોવા છતા તેની કોઇ અસર બજાર ઉપર રહી ન હતી. ચીનમાં જીડીપી ગ્રોથનો આંકડો ઘટીને ૬ ટકા સુધી પહોંચી ગયો છે. બેંચમાર્ક બીએસઇ સેંસેક્સે ૨૪૬ પોઇન્ટ ઉછળીને ૩૯૨૯૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૬૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ ઇન્ડેક્સ ક્રમશઃ ૩૯૩૬૧ની ઉંચી અને ૩૮૯૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંકના શેરમાં આજે ૮ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે તાતા મોટર્સના શેરમાં સૌથી વધુ એક ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડ અને સ્મોલકેપમાં ઉથલપાથલનો દોર રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૫૩ પોઇન્ટનો અથવા તો ૧.૭૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૨૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૧૨૭ની સપાટી રહી હતી તેમાં ૨૧૩ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૬૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૭૫ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૧૬૬૨ રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ત્રણ ટકાની આસપાસનો ઉછાળો રહ્યો છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સિવાય અન્ય તમામ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. રિયાલીટીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. મેટલ અને પીએસયુ બેંકના શેરમાં પણ તેજી રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૬૩ રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી હતી. કારોબારના અંતે તેના શેરમાં એક ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો. ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સના શેરમાં ૨૭ ટકાનો ઉછાળો રહેતા તેના શેરની કિંમત ૫૬.૪૫ સુધી પહોંચી હતી. સરકાર દ્વારા કંપનીમાં હિસ્સેદારી ઘટાડવામાં આવી શકે છે. આ શેરમાં ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન આજે એક દશકમાં સૌથી જોરદાર રિકવરી રહી હતી. આ શેરમાં આજે કારોબાર દરમિયાન ૨૨ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં અફડાતફડી રહી હતી. બીજી બાજુ કોમોડિટીની વાત કરવામાં આવે તો તેલ કિંમતોમાં ઘટાડો થયો છે. આશરે ત્રણ દશકમાં ચીનમાં જીડીપી ગ્રોથ સૌથી નીચી સપાટીએ રહ્યો છે. માંગને લઇને મંદીની અસર નોંધાઈ રહી છે. દેશની અર્થવ્યસ્થાને લઇને બે મોટા હેવાલ આવી રહ્યા છે. દેશમાં સપ્ટેમ્બર માસમાં આયાત નિકાસ ડેટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા મુજબ આયાતમાં ૧૩.૮ ટકા અને નિકાસમાં ૬.૫૭ ટકાનો ઘટાડો થયો છે. જો કે આ ગાળા દરમિયાન વેપાર ખાદ્ય ૧૪૯૫ કરોડ ડોલરથી ઘટીને ૧૦૮૬ કરોડ ડોલર થઇ ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં ક્રુડ ઓઇલની આયાત ૧૮.૩૩ ટકા ઘટીને ૧૦૯૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મેકેન્ડાઇઝ નિકાસનો આંકડો ૬.૫૭ ટકા સુધી ઘટી ગયો છે. સાથે સાથે આ આંકડો ઘટીને ૨૬૦૬ કરોડ સુધી પહોંચી ગયો છે.
કુલ આયાત ૧૩.૮૫ ટકા ઘટીને ૩૬૮૯ કરોડ ડોલરની આસપાસ રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં કુલ નિકાસમાં ઘટાડો થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના પ્રથમ બે સપ્તાહના ગાળામાં જ ભારતીય મૂડી માર્કેટમાંથી ૬૨૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડવોરને લઇને ચિંતાની સીધી અસર જોવા મળી રહી છે. પહેલીથી ૧૧મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૪૯૫૫.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૬૧.૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.