દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન થયા હોવાનો વીડિયો વાઈરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં આવ્યું હતું. સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામે લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હિન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરૂદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.ખેરમાળ ગામની ૧૬ વર્ષીય કિશોરીને નાણાંના બદલામાં લગ્ન કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. બાળ લગ્નના ફોટા અને વીડિયો વાઈરલ થતાં હડાદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતા બચુભાઈ ગમાર, દલાલ અને મદદગાર બનનાર જગમાલ બાબુ તથા સગીરાને પરણીને લઈ જનાર પુખ્તવયના યુવાન એમ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે. કિશોરીને અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારમાં પરણાવી દેવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ મહિલા ક્રાઇમે કિશોરીને રેસ્ક્યૂ કરવા માટે ચમનપુરા ગયા હતા. પરંતુ ત્યાં કિશોરીની સાસુ મળી આવી હતી. કિશોરી ક્યાં છે તેવું પૂછપરછ કરતા તેની નણંદના ઘરે કુબેરનગરમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહિલા ક્રાઈમની ટીમ કુબેરનગર પહોંચીને કિશોરીનું રેસ્ક્યૂ કર્યું હતું અને સીડબ્લ્યુસી સોંપી હતી.
Home Gujarat Gandhinagar બાળલગ્નનો વીડિયો વાયરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ