કોસંબામાં મોબાઈલ પર પબજી ગેમ રમતા યુવાન પર લૂંટના ઇરાદે ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ બાદ ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કોસંબામાં આવેલા પટેલ નગરમાં પ્રતિક બાલા સાહેબ ગાયકવાડ (ઉ.વ.૧૯) પરિવાર સાથે રહે છે. પ્રતિક પરિવારનો એકનો એક દીકરો છે. જેથી રિક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. આજે વહેલી સવારે પ્રતિક મોબાઈલમાં પબજી ગેમ રમી રહ્યો હતો. દરમિયાન બાઈક પર ઘસી આવેલા બે અજાણ્યા ઈસમોએ મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રતિકે મોબાઈલ નહીં મૂકતા પડખાના ભાગે ચપ્પુ ઘુસાડી ભાગી ગયા હતા. ત્યારબાદ પ્રતિકે ઇજાગ્રસ્ત હાલતમાં મિત્ર મહેશ દુબેને ફોન કરી જાણ કરી હતી. મહેશ ઇજાગ્રસ્ત મિત્ર પ્રતીક ને તાત્કાલિક સારવાર માટે નજીક ની હોસ્પિટલ બાદ ૧૦૮ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પ્રતિકે જણાવ્યું હતું કે, મોબાઈલ લૂંટના ઇરાદે હુમલો કરાયો હતો. બાઇક સવાર લૂંટારુઓ હિન્દી ભાષી હતા.