માવામાં પાવડર ભેળવીને માવો બનાવવાના કાંડનો અંતે પર્દાફાશ

1354

દિવાળીના તહેવાર દરમ્યાન માવાની મઠાઇની બોલબાલા હોય છે અને મીઠાઇ બજારમાં માવાની મીઠાઇઓની ભારે ડિમાન્ડ અને વેચાણ હોય છે ત્યારે દિવાળીના દિવસો પહેલાં જ રાજયભરમાં માવામાં ટેલકમ પાવડર ભેળવી લોકાના આરોગ્ય સાથે ખતરનાક ખેલ ખેલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.  જેમાં મીઠી બરફીના નામે ટેલ્કમ પાવડરની ભેળસેળવાળા માવાનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો છે. રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમોએ આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા સહિતના સ્થળોએ દરોડા પાડી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. કૌભાંડના પર્દાફાશ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ મહેસાણાના ૨૫, અમદાવાદની આઠ, ગાંધીનગરમાં છ, રાજકોટમાં ત્રણ, જૂનાગઢમાં બે, ભાવનગર, સુરત અને વડોદરામાં એક-એક સહિત સંખ્યાબંધ એકમો અને ફેકટરીઓ સીલ કરી દેવામાં આવી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ સખત કાર્યવાહીને પગલે રાજયભરમાં બિનઆરોગ્યપ્રદ માવાઓ બનાવતાં તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારિક અને કેન્સર સહિતના ગંભીર રોગોને નોંતરતો આ માવો માત્ર રૂ.૧૦૦થી રૂ.૧૨૫માં તૈયાર થઇ રહ્યો છે, જેની સામે ગ્રાહકો સુધી આવા બિનઆરોગ્યપ્રદ માવામાંથી બનતી મીઠાઇઓ રૂ.૮૦૦થી રૂ.૧૦૦૦ સુધીના ભાવે માર્કેટમાંથી વેચાણ થકી પહોંચી રહી છે.

ગુજરાત રાજયમાં માવાની મીઠાઇની ૫૦થી વધુ ફેકટરીઓ ધમધમતી છે. પરંતુ આ ફેકટરીઓમાં માવામાં ટેલ્કમ પાવડર સહિતના હાનિકારક તત્વોની ભેળસેળ કરી નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા હોવાની બાતમી રાજયના ફુડ અને ડ્રગ્સ વિભાગને મળતાં ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તપાસ અને દરોડાની કાર્યવાહીના આદેશો જારી કર્યા હતા. જેને પગલે આજે વહેલી સવારથી અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જુદા જુદા સ્થળોએ માવાની ફેકટરીઓ અને એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમ્યાન માવાની બનાવટમાં ટેલકમ પાવડર વપરાતો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અધિકારીઓએ દરોડા દરમ્યાન રૂ.૧.૪૫ લાખથી વધુની કિંમતના એક હજાર કિલોથી વધુ ટેલકમ પાવડરનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આવા બિનઆરોગ્યપ્રદ અને નકલી માવાની મીઠાઇઓ આરોગવાથી ફુડ પોઇઝનીંગ, ઉલ્ટી, પેટમાં દુખાવો, કિડની-લીવરની ગંભીર બિમારીઓનો ખતરો રહે છે. સમગ્ર કૌભાંડમાં માવાની બનાવટમાં ટેલકમ પાવડર, ચૂનો, ચોક અને કેમીકલ યુકત તત્વો, નબળી ગુણવત્તાવાળા દૂધનો ઉપયોગ કરાતો હોવાની વાત પણ સામે આવતાં તંત્ર ચોંકી ઉઠયુ હતુ અને તેથી તે દિશામાં પણ ઉંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleસ્વચ્છ ભારત, સર્જીકલ સ્ટ્રાઇકની વાત કરતાં જ કોંગ્રેસને પેટમાં દુઃખવા લાગે છે : મોદી
Next articleદિવાળી પૂર્વે ફટાકડાના ભાવમાં ૩૦ %નો વધારો