સુરતમાં જમીન કૌભાંડના એક ચકચારભર્યા કેસમાં સુપ્રીમકોર્ટે એક બહુ મહત્વનો ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, મેજિસ્ટ્રેટ કોર્ટને કોગ્નીઝન્સ પછી પણ વધુ તપાસનો હુકમ કરવાની સત્તા છે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ આર.એફ. નરીમાન, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વી.રામા સુબ્રમણ્યમ્ે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ચાર્જશીટ થયા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટને ચાર્જફ્રેમ થયા પહેલાં એટલે કે, ટ્રાયલ શરૂ થયા પહેલાં વધુ તપાસ કરવા માટે હુકમ કરવાની સત્તા છે. મેજિસ્ટ્રેટ પોતે પણ પોતાની રીતે આપોઆપ વધુ તપાસનો હુકમ કરી શકે છે. જો કોર્ટ સમક્ષ એવી વિગતો ઉજાગર થાય કે, જેનાથી કોઇ વ્યકિતએ ગુનો કર્યો છે અથવા તો નથી કર્યો તે સંજોગોમાં આવો હુકમ થઇ શકે. આ વિષય પર જે વિરૂધ્ધના ચુકાદા હતા તે છતાં પણ સંપૂર્ણ કાયદાનું અર્થઘટન કરી સુપ્રીમકોર્ટના ત્રણ જજીસની બેન્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. દરમ્યાન સુપ્રીમકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદાર વિનુભાઇ માલવીયા તથા અન્યોએ જે ફરિયાદો કરી હતી અને તેમાં મહેસૂલ તપાસણી કમિશનર, ગુજરાત રાજયએ જે હુકમો કરી તારણ આપ્યા હતા કે, સામાપક્ષે ફોજદારી ગુનો થયો છે. ઉપરાંત, અરજદારની માતા ભીખીબહેન હયાત નહી હોવાછતાં તેમની બોગસ સહીઓ ઉપજાવી કાઢી છે અને રમણભાઇ તથા શંકરભાઇ જે હાલમાં ૪૮ અને ૫૩ વર્ષના હોઇ પોતે વર્ષ ૧૯૩૪થી જમીન ખેડતા હોવાનો દાવો કરતાં હોય તો, ૧૯૩૪માં તેમનો જન્મ પણ થયો ન હોય. આમ, સમગ્ર હકીકતો અને તારણો ધ્યાને લઇ એક અઠવાડિયામાં એફઆઇઆર નોંધવાનો હુકમ કર્યો હતો અને જેની તપાસ સુરત પોલીસ કમિશનર નક્કી કરે તે સિનિયર અધિકારીએ કરવાની રહેશે અને આ અધિકારીએ સમગ્ર કેસનો તપાસ અહેવાલ ત્રણ મહિનામાં રજૂ કરવાનો રહેશે. સુરતના વિનુભાઇ માલવીયા તથા અન્યોએ સુપ્રીમકોર્ટમાં કરેલી અપીલમાં સુપ્રીમકોર્ટના સિનિયર કાઉન્સેલ દુષ્યંત દવે અને એડવોકેટ નચિકેતા જોષીએ જણાવ્યું હતું કે, અગાઉ પૂણા ગામના શાંતાબહેન તથા અન્યોએ સુરત કલેકટર અને રાજય સરકારમાં રજૂઆત કરી હતી કે, તેમની જમીનમાં તેમના માતા ભીખીબહેનની ખોટી સહી કરી વિદેશ રહેતા રમણભાઇ ભગુભાઇ અને શંકરભાઇ ભગુભાઇના નામે ૭/૧૨માં એન્ટ્રી પાડી દવામાં આવી છે અને તે પણ ખોટા અને ઉભા કરેલ ગણોતના કાગળોના આધારે. ખરેખર તેમની જમીન વર્ષોથી તેમના પિતા ભીખાભાઇ ખુશાલભાઇના નામે ચાલી આવતી હતી.
અને તેમાં કોઇપણ ગણોતહક્ક નહી હોવા અંગે તેમણે ગાંધીનગરના મહેસૂલ તપાસણી કમિશનરમાં પણ રજૂઆત કરી હતી. જેમાં મહેસૂલ તપાસણી કમિશનરે આ કેસમાં કહેવાતા ગણોતીયાએ ઘણી ગંભીર ગેરરીતિઓ આચરી હોવાના તારણો આપ્યા હતા. તેમછતાં આ કહેવાતા ગણોતીયાઓ વિરૂધ્ધ પોલીસે એફઆઇઆર નોંધી ન હતી અને ગણોતીયાના કહેવાતા પાવરદાર નીતિનભાઇ મંગુભાઇ પટેલની અરજીના આધારે વિનુભાઇ, શાંતાબહેન અને અન્ય કુંટુબીજનો વિરૂધ્ધ તા.૧૨-૧૧-૨૦૦૯ના રોજ એક ખોટી એફઆઇઆર ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ કેસમાં તા.૨૨-૪-૨૦૧૦ના રોજ ચાર્જશીટ પણ કરી નાંખ્યું હતું અને મેજિસ્ટ્રેટે તા.૨૩-૪-૨૦૧૦ના રોજ કોગ્નીઝન્સ પણ લઇ લીધુ હતુ. જો કે, આ સમગ્ર કાર્યવાહીથી નારાજ વિનુભાઇ માલવીયાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૭૩(૮) હેઠળ સમગ્ર કેસમાં વધુ તપાસ માટે અરજી કરી હતી પરંતુ તા.૨૧-૧૦-૧૧ના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે તે નામંજૂર કરી હતી. જેની સામે વિનુભાઇએ સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરતાં સેશન્સ કોર્ટે મંજૂર કરતાં આ કેસમાં વધુ તપાસનો હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટના આ હુકમ સામે મૂળ ફરિયાદી નીતિનભાઇ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં રિવીઝન અરજી કરાતાં હાઇકોર્ટે આ અરજી મંજૂર કરી ચુકાદો આપ્યો હતો કે, એક વખત કોગ્નીઝન્સ પછી એટલે કે, ચાર્જશીટ બાદ જયારે મેજિસ્ટ્રેટે આરોપી વિરૂધ્ધ સમન્સ જારી કરી દીધુ હતુ, તેથી ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટને વધુ તપાસ કરવા માટે પોલીસને હુકમ કરવાની સત્તા નથી. આ ચુકાદા સામે વિનુભાઇ માલવીયા તથા અન્યોએ સુપ્રીમકોર્ટમાં ક્રિમીનલ અપીલ દાખલ કરી હતી, જેમાં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટનો ચુકાદો રદ કરી ઠરાવ્યું કે, કોગ્નીઝન્સ પછી પણ મેજિસ્ટ્રેટને વધુ તપાસનો હુકમ કરવાની સત્તા છે.