ભાવનગરના ઘેટી ખાતે મુકાયું ગુજરાતનું સૌપ્રથમ હેલ્થ ATM મશીન

1380

લોકોની સુખાકારી વધે તેમજ લોકોને  ઉત્તમ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય ક્ષેત્ર ટેકનોલોજીના સંયોજનથી વિકાસની દિશાઓમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આવું જ સેવા અને ટેકનોલોજીના સુલભ સમન્વય સમુ અને અતિ આધુનિક એવુ હેલ્થ એ.ટી.એમ મશીન સરકારશ્રી દ્વારા ભાવનગરના લોકોની સેવામાં ગુજરાતભરમાં સૌપ્રથમ વખત ભાવનગરના ઘેટી ખાતે ફાળવવામાં આવ્યું છે.

ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ચમત્કાર સમાન તથા અતિ આધુનીક એવુ હેલ્થ એ.ટી.એમ ભાવનગરને મળે તે માટે અંગત રસ દાખવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.જે અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જેને સરકારશ્રી દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે વિકસાવાયુ છે ત્યા આ મશીન ફાળવવામા આવ્યુ હતુ. જેનું લોકાર્પણ ગત તા.૧૨/૧૦/૧૯ ના રોજ કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યુ.

આ હેલ્થ એ.ટી.એમ. થકી, શરીરના ૪૧ થી વધારે ટેસ્ટ જેવા કે બોડી પ્રોફાઇલ, લોહીની તપાસમાં ડાયાબીટીસ, હીમોગ્લોબીન, મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, લીકવીડ પ્રોફાઇલ, યુરીન ટેસ્ટ, આંખના નંબરની તપાસ, ચામડીના રોગની તપાસ, ઇ.સી.જી. જેવા અન્ય ઘણા ટેસ્ટ કરી શકાય છે. તથા આ ટેસ્ટનું રીઝલ્ટ પણ આગળ તજજ્ઞને ફોરવર્ડ કરી, તજજ્ઞ સાથે વિડીયો કોન્ફરન્સથી જરૂરી સલાહ તેમજ  સારવારનું લીસ્ટ પણ પ્રિન્ટ થઇને મળેવી શકાય છે.

આમ, આ પ્રકારે તમામ સેવાઓમાં ટેકનોલોજી ભેળવીને આરોગ્ય સેવાઓના સધ્ધર બનાવવાના અને ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી તત્કાલ સેવાઓ પુરી પાડવા હેલ્થ એ.ટી.એમ. ખુબ જ ઉપયોગી નિવડશે.

Previous articleખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા શિલાબેન માટે ૧૦૮ બની દેવદૂત
Next articleસૌરાષ્ટ્ર ઝોન કક્ષા બાસ્કેટબોલ ભાઈઓની સ્પર્ધા સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ