રાંચીમાં શરૂ થયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં આજે પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેના પ્રથમ દાવમાં ૩ વિકેટે ૨૨૪ રન બનાવ્યા હતા. ટીના સમય સુધી ભારતે ત્રણ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. ત્યારબાદ ખરાબ રોશનીના પરિણામ સ્વરૂપે માત્ર છ ઓવરની રમત શક્ય બની હતી. રમત બંધ રહી ત્યારે ભારતે ત્રણ વિકેટે ૨૨૪ રન કર્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને રહાણે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૮૫ રન ઉમેરી ચુક્યા છે. આજે રમત બંધ રહી ત્યારે રોહિત શર્મા ૧૧૭ સાથે રમતમાં હતો જ્યારે રહાણે ૮૩ રન સાથે રમતમાં હતો. રોહિત શર્માએ ૧૬૪ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી આ રન કર્યા હતા.
બીજી ટેસ્ટમાં ભવ્ય દેખાવ કરનાર મયંક અગ્રવાલ ૧૦ રન કરીને આઉટ થયો હતો. જ્યારે પુજારા શૂન્ય રને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ માત્ર ૧૨ રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને રહાણેની જોડી જામી હતી અને આ બંને ખેલાડીઓએ સદીની ભાગીદારી નોંધાવ્યા બાદ પણ આજે અણનમ રહ્યા હતા. બંને વચ્ચે ૧૮૫ રનની અણનમ ભાગીદારી ચોથી વિકેટમાં થઈ ચુકી છે. આજે સવારે કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આફ્રિકાના બોલરોએ શરૂઆતમાં શાનદાર બોલિંગ કરી હતી. ભારતીય ટીમે એક વખતે ત્રણ વિકેટ ૩૯ રનમાં ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ચોથી વિકેટની ભાગીદારીમાં રોહિત શર્મા અને રહાણે જામી ગયા હતા. બંને ખેલાડીઓએ બીજા સત્રમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૧૩૪ રન ઉમેળ્યા હતા. રોહિત શર્મા વર્તમાન શ્રેણીમાં શાનદાર ફોમમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા હવે સુનિલ ગાવસ્કર બાદ કોઈ એક શ્રેણીમાં બેથી વધુ સદી ફટકારનાર પ્રથમ ઓપનિંગ ખેલાડી બન્યો છે. ગાવસ્કરે ૧૯૭૦માં આ સિદ્ધિ હાંસિલ કરી હતી. રોહિત શર્માએ પીટની બોલિંગમાં છગ્ગો ફટકારીને શ્રેણીમાં ત્રીજી સદી કરી હતી.
અલબત રોહિત શર્માને બે વખત તક મળી હતી. પરંતુ તે મેદાન પર રહેતા સદી ફટકારી હતી. ભારતે પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલીના અણનમ ૨૫૪ રન બાદ ભારતીય બોલરોના શાનદાર દેખાવના પરિણામ સ્વરુપે ભારતે આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પોતાના નામ ઉપર કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૫ રન પર ઓલઆઉટ થઇ ગયા બાદ દક્ષિણ આફ્રિકાને કેપ્ટન વિરાટ કોહલીએ ફોલોઓનની ફરજ પાડી હતી અને બીજી ઇનિંગ્સમાં આફ્રિકાના બેટ્સમેન ફરી એકવાર નિસહાય દેખાયા હતા. બીજી ઇનિંગ્સ ચોથા દિવસે અંતિમ સેશનમાં ટી બાદ પૂર્ણ થઇ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની બેવડી સદી અને મયંક અગ્રવાલના ૧૦૮ રનની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૬૦૧ રન બનાવ્યા હતા. મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની બે ઇનિંગ્સ ૨૭૫ અને ૧૮૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ બંને ઇનિંગ્સ મળીને પણ આફ્રિકાની ટીમ ભારતના સ્કોર સુધી પહોંચી શકી ન હતી. ટીમ ઇન્ડિયાના તમામ બોલરોએ જોરદાર દેખાવ કર્યો હતો. આફ્રિકાના બેટ્સમેનો મેદાન ઉપર ટકી શક્યા નહતા. જે પીચ ઉપર દક્ષિણ આફ્રિકાની ટીમ ઝડપી અને સ્પીન બોલિંગ સામે નિસહાય દેખાઈ હતી ત્યાં ભારતીય ૂબોલરોએ શાનદાર રમત દર્શાવી હતી. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચને જંગી અંતરથી જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી.