દિવાળીનું વેકેશન આવી રહ્યું હોઇ, આસપાસમાં કોઇ ખાસ ફરવાના સ્થળો ન ધરાવતા પોરબંદરના નાગરિકો વેકેશનમાં ફરવા માટે દૂર દૂરના પર્યટક સ્થળો પર જવા ઘસારો કરી રહ્યા હોઇ, પોરબંદરથી મુંબઇની પ્લેનની ટીકીટ વેકેશન દરમ્યાન ૧૧,૪૦૦એ પહોંચી ગઇ છે. તો પોરબંદરથી ચાલતી તમામ લાંબા અંતરની ટ્રેઇનોમાં ૬૦થી ૯૧નું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.
દિવાળીનાં તહેવારો પછી વેકેશનના ગાળામાં પોરબંદરથી પર્યટક સ્થળોએ જવા માટે પોરબંદરવાસીઓએ મોટા મોટા આયોજનો કરી નાખ્યા છે અને તેના માટે અગાઉથી જ ટીકીટો બૂક કરી દીધી હોવાને લીધે સામાન્યતઃ પોરબંદરથી મુંબઇ પ્લેનની ટીકીટ કે જે ૩,૫૦૦ રૂપિયા હોઇ છે તે આ સમયગાળામાં રૂપિયા ૧૧,૪૦૦ સુધી પહોંચી ગઇ છે. તેવી જ રીતે આ સમયગાળામાં પોરબંદરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેઇનોમાં ૬૦ થી ૯૧ સુધીનું વેઇટીંગ સર્જાઇ ગયુ છે. ટ્રેનો અને પ્લેન ફૂલ થઇ જવાને લીધે પોરબંદરના લોકો પોરબંદરથી રાજકોટ અને અમદાવાદ ટ્રાવેલ્સ અને ખાનગી વાહનોમાં પહોંચીને પણ રાજકોટ-અમદાવાદથી પ્લેન અને ટ્રેઇનની ટિકિટો મેળવી પર્યટક સ્થળોએ પહોંચી રહ્યા છે.