આજે તા. ૧૬ માર્ચે સાંજે ૧૭/૦૦ કલાક થી ૧૯/૦૦ કલાક સુધી જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ભાવનગરની કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નક્કી કરાયા અનુસાર ૧૫% વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂપિયા ૯૮૧.૦૨ લાખના ખર્ચે ૪૮૦ કામો, ૧૫% વિવેકાધિન જોગવાઈ અનુસુચિત જાતિ પેટા યોજનામાં રૂપિયા ૬૬ લાખના ખર્ચે ૪૩ કામો, ૫% પ્રોત્સાહક જોગવાઈમાં રૂપિયા ૩૨.૭૫ લાખના ખર્ચે ૧૧ કામો, ખાસ પછાત વિસ્તાર
(ભાલ ખારાપાટ) માં રૂપિયા ૩૮ લાખના ખર્ચે ૨૧ કામો, નગરપાલિકા વિવેકાધિન જોગવાઈમાં ૧૫૬.૬૦ લાખના ખર્ચે ૩૭ કામો હાથ ધરાશે.
આ વિકાસના કામોમાં અંડર ગ્રાઉન્ડ ગટર, બ્લોક પેવિંગ, પાણીની પાઈપ લાઈન, નાળા, સી. સી. રોડ, સ્મશાનની દિવાલ, સ્મશાન છાપરી, કોઝ વે, આંગણવાડી ફરતે કોઝવે, પ્રાથમિક શાળા ફરતે ઘટતી દિવાલ સહિતના કામો હાથ ધરાશે. વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ ના બાકી કામો તા. ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત અધિકારીઓને શીખ આપતાં જણાવ્યું કે સંકલન જેટલું વધુ હશે તેટલાં વિકાસના કામો ઝડપી થશે વધુ લોકોને લાભ મળે તે મુજબના વિકાસના કામો થવા જોઈએ તો જ ખરા અર્થમાં વિકાસ થયો કહેવાશે.
વિકાસશીલ તાલુકો ઘોઘા ખાતે જર્જરીત દરિયાઈ સંરક્ષણ દિવાલ બાબતે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સૌએ સાથે મળીને વિકાસના કામો કરવાથી જનતા જનાર્દનનું હિત જળવાશે. જિલ્લાના પાણીના કામોને પ્રાધાન્ય આપવુ જરૂરી છે. જે કામો રદ થાય કે તુરંત જ નવા કામો હાથ ધરાય તે મુજબ આયોજન કરવાથી લોકોની અપેક્ષા સંતોષી શકાશે.
સ્ટાફની ઘટ ના કારણે કામ ન થાય તે ચલાવી લેવાશે નહિ દરેક સરકારી કચેરીઓમાં પુરતો સ્ટાફ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આ બેઠકમાં ધારાસભ્યો ભીખાભાઈ બારૈયા, આર. સી. મકવાણા, કનુભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારી, જિલ્લા આયોજન અધિકારી વાઘમશી, જિલ્લાની તાલુકા પંચાયતના તથા નગરપાલિકાના પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ, પ્રાંત ઓફીસરો સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.