મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લા ઘણા દિવસથી જારી ચૂંટણી પ્રચારનો આજે અંત આવી ગયો હતો. હવે ૨૧મી ઓક્ટોમ્બરના દિવસે મતદાન થશે. ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષોએ પુરી તાકત લગાવી દીધી હતી. એકબાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ફડનવીસના નેતૃત્વમાં ભાજપ સરકાર સત્તા જાળવી રાખવા માટે તમામ તાકાત લગાવી ચુકી છે. બીજી બાજુ શિવસેના પણ જોરદાર રીતે મેદાનમાં છે. શિવસેના અને ભાજપ ગઠબંધનમાં રહીને ચૂંટણી લડી રહ્યા છે પરંતુ શિવસેના પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીની તાકાતને ઘટાડવાની યોજનામાં છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં પુરતી તાકાત લગાવી દીધી છે. બહુમતી સાથે જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેલા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓએ તાકાત લગાવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રમાં પુરતી તાકત લગાવી હતી અને અપેક્ષા કરતા વધારે રેલી કરીને મહોલને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મહત્વપૂર્ણ છે તેનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે ભાજપે અહીં સત્તા જાળવી રાખવા મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેતા બહારના લોકોના મન જીતવા મધ્યપ્રદેશ, ગુજરાત, બિહારમાંથી પણ રાજકીય નેતાઓને પ્રચાર માટે બોલાવ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ૧૨૨ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે શિવસેનાને ૬૩ સીટો મળી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી ૨૦૧૪ની ચૂંટણીમાં ૪૨ સીટો મળી હતી. તેના સાથી પક્ષ એનસીપીને ૪૧ સીટો મળી હતી. ભાજપને ૩૧.૧૫ ટકા અને શિવસેનાને ૧૯.૩ ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને ૧૮ ટકા મત મળ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપ સામે વધારે પડકાર છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રમાં ભાજપની ફડનવીસ સરકાર છે. શાસન વિરોધી પરિબળો પણ કામ કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે ભાજપ અને શિવસેનાએ જોરદાર સપાટો બોલાવ્યો હતો પરંતુ વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ અલગ હોઈ શકે છે. કારણ કે સ્થાનીક મુદ્દા રહેલા છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી અને એનસીપી આંતરિક વિવાદના કારણે પરેશાન છે.
બંને પાર્ટીની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર છે.
બંને પાર્ટીઓ તરફથી અપેક્ષાઓ મુજબ પ્રચાર પણ કરવામાં આવ્યો નથી. એનસીપીના નેતા પ્રફુલ પટેલ વિવાદોના ઘેરામાં આવી ચુક્યા છે. તેમની પુછપરછ ચાલી રહી છે. મહારાષ્ટ્રના મતદારો ઉમેદવારોના ભાવીનો ફેસલો કરવા તૈયાર છે. હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટીએ તાકત લગાવી છે. અહીં તેમની મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ સાથે રહેલી છે. હરિયાણામાં ભાજપને પ્રચાર મુજબ જંગી બહુમતી મળવાની શક્યતા દેખાઈ રહી છે. ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઘરે ઘરે જઈને પ્રચારની પ્રક્રિયા શરૂ થશે. સાંજે છ વાગે પ્રચારનો અંત આવ્યો હતો. પ્રચારનો અંત આવ્યા બાદ રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રચાર કરી શકશે નહીં. ૨૧મી ઓકટોમ્બરના દિવસે સવારે ૭ વાગેથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. ઉત્તર મહારાષ્ટ્રમાં ૪૭ સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે.