છાણી વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટીની ચાર માળની બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ૭ વ્યક્તિ દબાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. હાલ ફાયરબ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે એક વ્યક્તિનું મોત થયું હતું.
છાણી જકાતનાકા પાસે એલ એન્ડ ટી એન્જિનિયરિંગ કંપનીની કોમર્શિયલ બિલ્ડીંગમાં છેલ્લા બે અઠવાડિયાથી ડિમોલિશન કરવાની કામ ગિરી ચાલી રહી હતી તે દરમિયાન મશીનરીના ભાગમાં કઈ ખરાબી સર્જી જવાથી ઇમારતનો આગળ નો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો. એલ.એન્ડ ટીએ મુંબઇની શિવ ટ્રેડર્સને ઇમારત તોડવાનો કોન્ટ્રાકટ ૭૫ લાખમાં આપ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી જેમાં હાઇડ્રોલિક કટર, સ્પ્રેડર, કોમીટૂલ તેમજ મેન્યુઅલ એક્સપ્રેશનનો ઉપયોગ કરીને કામગીરી હાથ ધરી હતી. જે સંદર્ભે ગણતરીની મિનિટમાં જ ફસાયેલ જેસબી પાસેથી એક કવર કરીને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાસ્થળ પર હાલમાં ટોટલ પાંચ ઇમરજન્સી વાન બે એડવાન્સ મોટર અને ત્રણ એમ્બ્યુલન્સ ની સાથે ૪૦થી વધારે ફાયર અને ૪ ઓફિસર હાજર છે અને ગ્રાઉન્ડ ઝીરો માટેની જહેમત ચાલી રહી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ છાણી જકાતનાકા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં. જેથી પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા લોકોને દૂર હડસેલીને ફાયરબ્રિગેડને રાહત કાર્યમાં અડચણ રૂપ લોકો ન બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.
ચાર માળની બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જેની ઓળખ થઈ ચુકી છે. મૃતકનું નામ કેફુલ પઠાણ હોવાનું બહાર આવી રહ્યું છે. આ અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.