ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે. મુખ્યપ્રધાન ત્યાં પહોંચતા જ ઉઝબેકિસ્તાનના નાગરિકોએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ એંડીજાનમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એલ્યોર ગનીયેવ સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમાં આયોજિત આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ઉપસ્થિતિથી કર્યો હતો. ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર યોજાઈ રહેલી ઇન્વેસ્ટમેન્ટ સમિટ ‘ઓપન અંદિજાન’ અંતર્ગત અંદિજાન પ્રદેશમાં વેપાર-ઉદ્યોગ અને રોકાણકારો માટે વિશ્વના અન્ય દેશો-પ્રદેશો સાથે વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આજના સમયમાં અનેક ક્ષેત્રોમાં સહકારિતાનો સેતુ સ્થપાયો છે. રાજકીય, સિક્યોરિટી, ડિફેન્સ, ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ઇકોનોમિક, એનર્જી એન્ડ સાયન્સ ટેક્નોલોજી સહિતના ક્ષેત્રો બે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહકારના ક્ષેત્રોમાં સમાવિષ્ટ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શવકત મિર્ઝિયોયેવ વચ્ચે નિકટતમ સંબંધો અને મૈત્રીની પરિપાટીએ બેય રાષ્ટ્રો વચ્ચે કોલેબોરેશન અને ઇન્ટરેક્શનના નવા પ્રકરણો આલેખાશે તેમજ નવી તકો પ્રશસ્ત થશે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૨૦૧૯ના વાયબ્રન્ટ ગુજરાતમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મિર્ઝિયોયેવની સહભાગિતાથી શરૂ થયેલી મજબૂત વ્યાપારિક સંબંધોની પ્રક્રિયા જૂન ૨૦૧૯માં વિવિધ બિઝનેસ ડેલિગેશનની ઉઝબેકિસ્તાન યાત્રાથી આગળ વધી, અને આજે ઓપન અંદિજાન ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં ગુજરાતની ઉપસ્થિતિ સાથે વધુ એક સીમાચિહ્ન સર થયું છે.
ઉઝબેકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત એલ્યોર ગનિયેવે જણાવ્યું કે આ સમિટ કરવાની પ્રેરણા અમને ગુજરાતની વાયબ્રન્ટ સમિટમાંથી મળી છે.તેમણે સમિટમાં ગુજરાત ડેલિગેશનની ઉપસ્થિતિને પરિણામે આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ – ‘ઓપન અંદિજાન’નું કદ અને પ્રભાવ પણ વધ્યા છે તેનો આનંદ વ્યક્ત કરતા ઉમેર્યું કે ગુજરાત સાથેના ઉઝબેકિસ્તાનના સંબંધો અન્યો માટે ઉદાહરણરૂપ બનશે. અંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવ, ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન, બેલારૂસ ગ્રોડનોની ઇકોનોમિક કમિટીના કાર્યકારી અધ્યક્ષ તેમજ એસોચેમના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. કે. ગોયેન્કા વગેરેએ પણ આ સમિટમાં સંબોધન કર્યાં હતાં.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના પ્રથમ દિવસે અંદિજાન રિજિયનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવ્યો હતો.