ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, પાલીતાણાના ધારાસભ્ય શ્રીભીખાભાઇ બારૈયા, તળાજાના ધારસભ્ય કનુભાઇ બારૈયા, તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે.સોસાએ વગેરેએ રજુ કરેલ ભારે વરસાદને કારણે પાકને થયેલ નુકસાનનો સર્વે કરાવવો, મૃત પશુઓના નિકાલની અંગે યોગ્ય વ્યવસ્થા કરવી, સ્વાસ્થ્યલક્ષી સેવાઓ, રસ્તાઓના કામો, અનઅધિકૃત દબાણો, ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, વીજ ફીડર,પીવાના પાણીની વ્યવસ્થા, રેશનિંગ દુકાનોમા તપાસ કરવી, રહેણાક હતુ માટે પ્લોટ ફાળવણી, બીનખેતી, પાલિતાણામાં જી.આઇ.ડી.સીના રસ્તા રિપેરિંગનુ કામ, સહકારી સંસ્થાઓમા મહિલા અનામત, અલંગ ખાતે પ્લોટમાં અનામત વગેરે બબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.જેની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.
ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.તેમજ હોસ્પિટલો, તમામ જાહેર સ્થળો, તથા સરકારી કચેરીઓને દિવાળી સુધીમા સ્વચ્છ અને ગંદકી મુક્ત કરવા કલેક્ટર દ્વારા ઉપસ્થિત અધિકારીઓને જણાવવામા આવ્યુ હતું.
આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓએ રજૂ કરેલ માસિક (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીના અહેવાલની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજનખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ.એ.ગાંધી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, વન સંરક્ષક સંજીવકુમાર, નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.