મહુવાના દુધાળા નજીક ટ્રક-બાઈકનો અકસ્માત : વિશળીયાના દંપતિનું મોત

720
bvn1732018-6.jpg

મહુવા-રાજુલા નેશનલ હાઈવે પર આવેલ દુધાળા ગામ નજીક ટ્રક અને બાઈક સામસામા અથડાતા બાઈક પર સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું.
ભાવનગર-ઉના નેશનલ હાઈવે બિસ્માર બનતા અનેક નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યાં છે. જેમાં ઈજાઓથી લઈને લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે તેમ છતાં તંત્ર દ્વારા બિસ્માર માર્ગ રિપેર કરવામાં આવતો નથી. જેમાં વાહન ચાલકો બિસ્માર માર્ગ તારવવા જતાં અકસ્માતનો ભોગ બનવાનો વારો આવી રહ્યાં છે.
આજરોજ રાજુલાના વિશલીયા ગામે રહેતા અને છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગોવિંદભાઈ શિયાળ ઉ.વ.આ.૪૦ અને તેમના પત્ની ગીતાબેન ગોવિંદભાઈ શિયાળ ઉ.વ.આ.૩પ પોતાનું મોટરસાયકલ જીજે ૧૪ એએમ ૧રર૦ લઈને મહુવાથી પોતાના ગામ તરફ જઈ રહ્યાં હતા ત્યારે સામેથી માનવ જીંદગીની પરવાહ કર્યા વગર પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ આવી રહેલ ટ્રક જીજે ૧૬ યુ ૮૬૪૭ સામસામા ધડાકાભેર અથડાતા દંપતિ રોડ પર ફંગોળાતા અને માથે ટ્રકના વ્હીલ ફરી જતા માથા તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ થતા પતિ-પત્નીના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છુટ્યો હતો. ઘટનાની જાણ થતા જ મહુવા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક દંપતિની લાશો મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના પગલે રાજુલાના ખોવા જેવડા વિશલીયા ગામે ગમગીની ભર્યો માહોલ જોવા મળ્યો હતો અને પતિ-પત્નીના એક સાથે મોત થતા કોળી સમાજમાં પણ શોકની લાગણી છવાઈ હતી.

Previous articleજળ બચાવો જન જનજાગૃતિ રેલી
Next articleએસ.ટી. કર્મચારી મહામંડળની બેઠક