રોહિત શર્માએ પોતાને મળેલું હિટમેનનું બિરૂદ ખરેખર સાબિત કરી દીધું છે. તેણે એ પણ સાબિત કરી દીધું કે તે ન માત્ર વનડે કે ટી-૨૦નો પરંતુ ટેસ્ટ ક્રિકેટનો પણ બોસ બની શકે છે. દ.આફ્રિકા સામેની હાલની ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને ઘણાં રેકોર્ડ પર પોતાનું નામ નોંધાવી દીધું છે. ૩૨ વર્ષના રોહિત શર્માએ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ત્રીજી સદી ફટકારી હતી. રાંચી ટેસ્ટના બીજા દિવસે રોહિતે ન માત્ર પોતાના ટેસ્ટ કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી પણ સાથે કેટલાક રેકોર્ડ પર પણ પોતાનું નામ લખાવી દીધું હતું. ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો ચોથો પ્લેયર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલે આ સિદ્ધિ મેળવી હતી.
આ રેકોર્ડમાં એક એવો રેકોર્ડ પણ છે જે તેને ક્રિકેટના ડોન સર ડોન બ્રેડમેનની શ્રેણીમાં મૂકી રહ્યા છે. રોહિત શર્માએ ભારતની ધરતી પર ૧૨મી ટેસ્ટમાં ૧૮ ઇનિંગ રમીને ૯૯.૮૪ની તોફાની એવરેજથી રન બનાવ્યા છે. કેરિયરમાં ઘરેલુ ધરતી પર કમસે કમ ૧૦ ટેસ્ટ મેચ રમી ચૂકેલા ખેલાડીઓની એવરેજની વાત કરીએ તો આ મામલે રોહિત શર્માએ સર ડોન બ્રેડમેનની પછડાટ આપી છે.
બ્રેડમેનની વાત કરીએ તો તેમણે પોતાની એટલે કે ઓસ્ટ્રેલિયન ભૂમિ પર ૩૩ ટેસ્ટ મેચોની ૫૦ ઇનિંગમાં ૯૮.૨૨ની એવરેજ સાથે ૪૩૨૨ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૯૯.૮૪ની એવરેજ સાથે બ્રેડમેનને પાછળ છોડવામાં સફળતા મેળવી છે. રોહિત શર્માએ ૧૨ ટેસ્ટ મેચોમાં ૯૯.૮૪ની એવરેજથી ૧૨૯૮ રન બનાવ્યા છે, જેમાં ૬ સદી અને ૫ અડધી સદી સામેલ છે.