યુપીથી સુરત ચેઈન સ્નેચિંગ કરવા આવતા રીઢા ગુનેગારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ વસીમ ખાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે, કાપડનો ધંધામાં નુકસાન થયા બાદ આરોપી યુ-ટ્યુબ પર ચેઈન સ્નેચિંગના વીડિયો જોઈને ઘટનાને અંજામ આપતો હતો.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાળા કલરની પલ્સર બાઈક પર ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બનતી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી બાતમી આધારે મહિધરપુરા મોતી ટોકિઝ ત્રણ રસ્તા પાસેથી મોહમ્મદ વસીમ મોહમ્મગશફીક ખાન(ઉ.વ.૩૪, રહે. કર્નલગંજ, કાનપુર, યુપી.)ને ૩ સોનાની ચેઈન કિંમત ૧.૩૬ લાખ અને પલ્સર બાઈક કિંમત ૬૦ હજારના મુદ્દામાલ સાથે પકડી પડવામાં આવ્યો હતો. સોનાની ચેઈન અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ચોકબજાર, અડાજણ સહિતના વિસ્તારમાં ૧૨ જેટલા ચેઈન સ્નેચિંગ કર્યા હતા. જ્યારે વડોદરામાં ૫ અને કાનપુરમાં ૩૫ ગુનાને અંજામ આપ્યો હતો.