ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે અને આ કૌભાંડ વર્ષ ૨૦૧૦થી ચાલતુ હોવાનુ સામે આવ્યુ છે. વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધી અલગ-અલગ રોકાણકારોને વધુ વળતર અને ઈનામ આપવાની વાત કરી તેમની પાસેથી કરોડો રુપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. હાલ કૌભાંડનો આંકડો ૪.૧૦ કરોડ રૂપિયા સુધી પહોચ્યોં છે. ત્યારે કૌભાંડનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે સહારા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લીમિટેડ અને અલગ-અલગ ક્રેડિટ કો.ઓપરેટિવનાં નામે એજન્ટો મારફતે લોકો પાસેથી રુપિયા લેવામાં આવ્યા હતાં. તે રુપિયાનાં અવેજમાં મોટી વળતર આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ રોકાણકારોને વળતર નહી ચુકવી અને તેમની મૂડી પણ પરત નહી કરી. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ થતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સીઆઈડી ક્રાઈમનું કહેવુ છે કે, આ મામલે સુધીર શ્રીવાસ્તવ (ચેરમેન), હરીશચંદ્ર યાદવ (એમ.ડી), ગજેન્દ્ર્નાથ શર્મા, કરુણેશ અવસ્થી, લાલજી વર્મા, લક્ષ્મીકાંત બન્નાશી, પ્રલયકુમાર પાલીત, નિરજકુમાર પાલ સહિત ૨૧ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આ મામલે સહદેવ તુકારામ પાટિલ અને જુબેર પટેલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમનું કહેવુ છે કે, આ મામલે અન્ય કોઈ ભોગ બનનાર હોય તો સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરી શકે છે.