સુરતનાં પીપલોદ વિસ્તારમાં આવેલ કારગીલ ચોક પાસે ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકનાં એટીએમને ગુરૂવારે મધરાત બાદ અજાણ્યા યુવાને તોડવા પ્રયાસ કર્યો હતો. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધીને ગણતરીનાં કલાકોમાં ઇન્દ્રલોક એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ માસથી સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ યુપીનાં યુવાનને ઝડપી લીધો હતો.
સુરતનાં પીપલોદ વિસ્તારમાં આવેલા ઇન્દ્રલોક કોમ્પલેક્ષમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેન્ક છે. આ બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો. એટીએમ તોડી તેમાં રહેલા રૂપિયાની ચોરી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએમ અડધું જ તૂટયું હતું. આ અંગે સવારે બેન્ક સત્તાધીશોને જાણ થતાં તેમણે ઉમરા પોલીસ મથકમાં ચોરીનો પ્રયાસ અને રૂ. ૧ લાખનું નુકસાન અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસે તપાસ શરુ કરતા આ એટીએમ સિક્યુરિટી જવાન તરીકે કામ કરતા યુવક પર શંકા જતા તેની તપાસ શરુ કરી હતી. જેમાં આ યુવાન છેલ્લા દોઢ માસથી નોકરી કરતો હતો તેવી વિગતના આધારે પોલીસે તેની પૂછપરછ કરતા આ યુવાનને પૈસાની જરૂર હતી તેથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો તેવી તેણે કબૂલાત કરી છે. પોલીસે સિકયુરીટી ગાર્ડ શિવનારાયણ ઉર્ફે શિવા જયરાજસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.