શહેરના નરોડા વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતી યુવતીને કૌટુંબિક સંબંધી યુવકે તેના દાદા સાથેના બીભત્સ ફોટો મોર્ફ કરી તેને બદનામ કરશે એવી ધમકીઓ આપી હતી. આવી ધમકીઓ આપી યુવકે અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
મૂળ સાબરકાંઠાની ૧૮ વર્ષીય યુવતીનાં માતા પિતાનું અવસાન ૧૬ વર્ષ પહેલાં બીમારીથી થયું હોવાથી નરોડામાં તેના દાદા દાદી સાથે રહે છે. માર્ચ ૨૦૧૯માં આ યુવતીનો સંબંધી રાહુલ સાબરકાંઠાથી અમદાવાદ પ્લમ્બિંગનું કામ કરવા આવ્યો હતો. તેણે પણ નરોડામાં ભાડે મકાન રાખ્યું હતું. સંબંધી હોવાથી એકબીજાના ઘરે આવવા જવાનું થતું રહેતું હતુ.
થોડા સમય બાદ આ રાહુલે યુવતીને કહ્યું હતું કે, તારા અને તારા દાદા વચ્ચે ખરાબ સંબંધ છે તેવા બીભત્સ તસવીરો બનાવી તે વોટ્સએપ પર વાઈરલ કરી દેશે. આ પ્રકારની ધમકી આપી અવાર નવાર રાહુલ યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો. ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. છેવટે નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતીએ રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે.