મધ્યપ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરીને લઈને ઈડી( એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે. રતુલ પુરી સામે મની લોન્ડરિંગના મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલામાં ઈડીની ચાર્જશિટમાં ઉલ્લેખ કરાયો છે કે, રતુલ પુરીએ અમેરિકાની એક નાઈટ ક્લમાં એક જ રાતમાં ૧૧.૪૩ લાખ ડોલર એટલે કે ૭.૮ કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો હતો. આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.
પુરી સીવાય ચાર્જશીટમાં તેના સહયોગી તેમજ મોઝર બેયર કંપનીનુ પણ નામ છે. પુરી આ કંપનીનો કાર્યકારી નિર્દેશક છે. ઈડીએ ચાર્જશિટમાં કહ્યુ છે કે, નાણાકીય લેવડદેવડનો ઉપયોગ ભારતમાં અને વિદેશમાં મોંઘી હોટલોમાં રોકાવા માટે થયો હતો. પ્રોવોકેટર નામની નાઈટ ક્લબમાં પુરીએ ૭.૮ કરોડ રૂપિયા વાપર્યા હતા.
એજન્સીનો દાવો છે કે, ૨૦૧૧ થી ૨૦૧ ૬ની વચ્ચે પુરીનો વ્યક્તિગત ખર્ચ ૩૫ કરોડ રૂપિયા હતા. પુરીએ ૮૦૦૦ કરોડનુ મની લોન્ડરિંગ કર્યુ છે. જે શરૂઆતમાં લગાવાયેલા અંદાજ કરતા ઘણુ વધારે છે.
ઈડીનો દાવો છે કે, મોઝર બેયર કંપનીએ બેંકો દ્વારા અપાયેલી લોનને પોતાની સબસિડિયરી કંપનીઓને ટ્રાન્સફરી કરી નાંખી હતી. આ બોગસ કંપનીઓ થકી મની લોન્ડરિંગ કરાયુ હતુ. આ ચાર્જશીટમાં ડઝનબંધ કંપનીઓનો ઉલ્લેખ કરાયો છે.
૧૧૦ પાનની ચાર્જશિટમાં કહેવાયુ છે કે, મોઝર બેયર દ્વારા કેટલાક વર્ષોમાં પોતાની સહયોગી અને સબસિડિયરી કંપનીઓમાં ૮૦૦૦ કરોડનુ રોકાણ કરાયુ છે. બેન્કો પાસેથી મળેલી લોનનો દુરપયોગ કરાયો છે.