ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે જેને લઇને અભૂતપૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.તૈયારી કરી લેવામાં આવ્યા બાદ તમામ જગ્યાઓએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડા પાડવા માટે કોંગ્રેસ પાર્ટી પણ સજ્જ છે. અલબત્ત ભારતીય જનતા પાર્ટી હોટફેવરિટ દેખાઈ રહી છે. કોંગ્રેસના તથા ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા ભારે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજયમાં છ વિધાનસભા બેઠકો માટે આવતીકાલે તા.૨૧મી ઓકટોબરના રોજ સોમવારે રસાકસીભરી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પંચ અને પોલીસ-સુરક્ષા તંત્ર દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. રાજયમાં અમરાઈવાડી, રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડા અને થરાદ એમ છ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં ૧૪.૭૬ લાખથી વધારે મતદારો મતદાન કરી પોતાના મિજાજનો પરચો આપશે. તમામ બેઠકોના પરિણામો તા.૨૪મીના રોજ જાહેર કરાશે. ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટે આવતીકાલે યોજાઇ રહેલી પેટાચૂંટણીને લઇ ચૂંટણી તંત્ર દ્વારા તમામ પોલીંગ બુથ પર સ્ટેશનરીનું વિતરણ થઈ ચુક્યું છે. તેમજ ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાંથી ડિસ્પેચ કામગીરી પુર્ણ કરી દેવાઇ છે. સુરક્ષાકર્મીઓને પણ ઇવીએમ અને વીવીપેટની સુરક્ષા માટે તહેનાત કરી દેવાયા છે. અમરાઈવાડી, રાધનપુર, બાયડ, ખેરાલું. લુણાવાડા અને થરાદમાં યોજાનારી પેટાચૂંટણી માટેના ઇવીએમ અને વીવીપેટ મશીનની ચકાસણી પુર્ણ કર્યા બાદ તેને જે તે પોલીંગ બુથ પર પહોંચતા કરી દેવાયા છે. આવતીકાલે સોમવારે ગુજરાત વિધાન સભાની ૬ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ૧૪.૭૩ લાખ મતદારો મતદાન કરશે. આ પેટાચૂંટણી માટે જે તે વિધાનસભા ક્ષેત્રમાં ઉભા કરાયેલા ૧૭૮૧ મથક પર મતદારો મતદાન કરી શકશે. ૮૧થી વધુ મતદાન મથક પરથી વેબ કાસ્ટીંગ કરાશે. તો, સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી અને વેબ કેમેરાથી બાજનજર રખાશે. ચૂંટણી બાદ તા.૨૪ ઓક્ટોબરનાં રોજ મત મત ગણતરી હાથ ધરાશે અને તમામ છ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજયમાં કેટલીક બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટીકીટ આપી હતી અને તેઓ વિજેતા બનતાં તેમની ખાલી પડેલી જગ્યાઓ તથા કોંગ્રેસના બે ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં કુલ છ બેઠકો માટે આવતીકાલે મહત્વની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. કુલ ૬ બેઠક પર ૧૪.૭૬ લાખ મતદારો નોંધાયેલા છે અને તેઓ મતદાન કરી શકે તે માટે ૧૭૮૧ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપે આ વખતે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠકથી જશુભાઇ પટેલ, અમરાઇવાડી બેઠકથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠકથી ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠકથી રઘુ દેસાઇ, ખેરાલુ બેઠકથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. સોમવારના રોજ થનારા મતદાન માટે ચૂંટણીપંચે પણ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. તમામ મતદાન મથકો ખાતે ઇવીએમ તથા પોલીંગ અને પોલીસ સ્ટાફને રવાના કરી દેવાયો છે. તો, પોલીસ અને સુરક્ષા જવાનોને પણ પોલીંગ બુથ અને તેની ફરતે તૈનાત કરી લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે.