ભાવનગરના ભરતનગર વિસ્તારમાંથી હોમગાર્ડ જવાનનું કારમાં અપહરણ કરી કુકડ ગામ નજીક માર મારવાની ઘટનામાં પોલીસે છ શખ્સની ધરપકડ કરી છે. ભાવનગર ગાયત્રીનગરમાં રહેતા અને હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા રાકેશભાઈ મનસુખભાઈ પરમારનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન અપાવવા માટે લીધેલ કમિશનની રકમ પરત મેળવવા મામલે ભરતનગર, શાક માર્કેટ પાસેથી કારમાં અપહરણ કરી છ શખ્સો રાકેશભાઈને કુકડ ગામ તરફ લઈ ગયા હતાં અને પાઈપ વડે માર મારી ઈજા કરી હતી. આ બનાવ અંગે રાકેશભાઈની ફરિયાદના આધારે ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છ શખ્સની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી અંગે ડીવાયએસપી મનીષભાઈ ઠાકરે માહિતી આપી હતી. પોલીસે ગોરિયાળી, રામપરા, કંટાળા, થોરાળી, કુકડ અને તણસાના શખ્સની ધરપકડ કરી કાર, પાઈપ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.