ભાવનગરના બંદર રોડ વિસ્તારમાં રૂપિયા ૮૬ લાખના ખર્ચે બનેલા ૧૦ હાઇ માસ્ટ ટાવરનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરને આ સ્થળે નવું પ્રવેશ દ્વાર તેમજ ગુજરાતનો સૌ પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રિજ આપ્યો તે વિસ્તારનું આજે ૧૦ હાઇ માસ્ટ ટાવર દ્વારા અંધારું ઉલેચવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.આ હાઇ માસ્ટ ટાવર થકી નવાબંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળી રહેશે તેમજ અમદાવાદ ભાવનગર વચ્ચે મુસાફરી કરતા લોકોને પણ આનો ફાયદો મળશે તહેવારના દિવસોમાં દરિયાના પૂજન માટે જતા ભાવિકોને પણ આ હાઇ માસ્ટ ટાવરનો પ્રકાશ ઉપયોગી થશે. આ પ્રસંગે રાજ્યમંત્રીએ વિકાસના અન્ય કામોની પણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે અત્રે દિવસે હરિયાળું અને રાત્રે ઝળહળતું એવુ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. રવેચી ધામને પિકનિક પોઇન્ટ તરીકે તેમજ અકવાડા તળાવને રૂ.૧૧ કરોડના ખર્ચે વિકસીત કરવામા આવશે.રૂ.૫૧ લાખના ખર્ચે સામળદાસ રોડ તેમજ કાર્યક્રમના સ્થળથી રામેશ્વર મંદિર સુધીના રોડ પર લાઇટનિંગનુ કાર્ય હાથ ધરાશે. અને મારૂ પેટ્રોલ પમ્પ – જંક્શન – કેબલ સ્ટેઇડ બ્રિજ સુધીના રોડને પણ રૂ.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્યમંત્રીએ વધુમા ઉમેર્યુ હતુ કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લોકસુવિધા હેતુથી જેમ ભાવનગરમાં તળાવો બંધાવ્યા હતા તેમ હાલની વિજયભાઇ રૂપાણીની સરકાર પણ તળાવને તથા ચેકડેમોને નવા બનાવી તેમ જ તેને ઊંડા ઉતારવાનું ભગીરથ કાર્ય કરી રહી છે જેના થકી લોકોને ખેતીમાં તેમજ પીવાના પાણી માટે ના ખુબ લાભો થશે. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ ભાવનગરના કાર્યપાલક ઇજનેર કે.પી વસાવા, કેપ્ટન સુધીર ચઢ્ઢા, જુના બંદર ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનના દેવલ શાહ, સુનિલભાઈ વડોદરિયા શિક્ષણ સમિતિના ચેરમેન નીલેશભાઈ રાવલ તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.