ક્રિસ ગેલ અને લસિથ મલિંગાને ટી-૨૦ ફોર્મેટના મોટા ખેલાડીઓમાં ગણવામાં આવે છે, પરંતુ નવી લીગ ધ હંડ્રેડની પ્રથમ સિઝનના પ્લેયર ડ્રાફ્ટમાં આ બંન્ને દિગ્ગજોને કોઈ ખરીદદાર મળ્યું નથી. એટલું જ નહીં, લીગના પ્રથમ રાઉન્ડના પ્લેયર ડ્રાફ્ટમાં હાલના ટી૨૦ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહેલા પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમને પણ ખરીદવા કોઈ ટીમ રાજી થઈ નથી.
દિગ્ગજોના તિરસ્કારની યાદી અહીં પૂરી થતી નથી. તેમાં ક્વિન્ટન ડિ કોક, કીરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો અને તમીમ ઇકબાલ જેવા ખેલાડીઓનું નામ પણ સામેલ છે. આઈસીસીના રિપોર્ટ્ પ્રમાણે ગેલ અને મલિંગાએ પોતાની બેઝ પ્રાઇઝ ૧૨૫,૦૦૦ પાઉન્ડ રાખી હતી. મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર અને કગિસો રબાડાએ પણ આટલી બેઝ પ્રાઇઝ રાખી હતી. ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ મિશેલ સ્ટાર્ક અને સ્ટીવ સ્મિથને બેલ્સ ફાયરે ખરીદ્યા હતા. ડેવિડ વોર્નર પર સાઉદર્ન બ્રેવે દાવ લગાવ્યો છે. સ્ટીવ સ્મિથે ટ્વીટ કર્યું, ’આગામી વર્ષે રમાનારા ધ હંડ્રેડમાં વેલ્સ ફાયરનો ભાગ બનીને ખુશ છું.’ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને સૌથી પહેલા ખરીદવામાં આવ્યો હતો. તે ટ્રેન્ટ રોકેટ્સ તરફથી રમશે. આ ટીમમાં રાશિદની સાથે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ હશે.
ધ હંડ્રેડ બોલ લીગના પ્રથમ રાઉન્ડના પ્લેયર ડ્રાફ્ટમાં આંદ્રે રસેલને સાઉદર્ન બ્રેવ અને સુનીલ નરેનને ઓવલ ઇનવિંસિવલે ખરીદ્યા છે. એરોન ફિન્ચ, મુઝીબ ઉર રહમાનનને નોર્દર્ન સુપરચાર્જર્સે પોતાની ટીમમાં સામેલ કર્યાં છે. ઇમરાન તાહિર, ડેન વિલાસને માન્ચેસ્ટર ઓરિજનલ્સ, ગ્લેન મેક્સવેલને લંડન સ્પ્રિટ અને લિયામ પ્લંકેટને બર્મિંઘમ ફોનિક્સે ખરીદ્યા છે.