સરકાર સાથે મંત્રણા નિષ્ફળ રહેતા આજે રાષ્ટ્રિયકૃત બેંકોની હડતાળ

432

તહેવારનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે બેંક કર્મચારી યુનિયનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે ચાલી રહેલી મંત્રણા નિષ્ફળ રહેતા ૨૨ ઓક્ટોબરને મંગળવારે હડતાળ પાડવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જોકે, આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) જોડાશે નહિ. મહાગુજરાત બેંક એમ્પ્લોયીસ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, બેન્કોના મર્જર, નોન પરફોર્મિંગ એસેટ (NPA), લોનની રીકવરી તેમજ બેન્કિંગમાં નોકરીઓ ગુમાવવાના ભય સહિતના મુદ્દાઓને લઇને એક દિવસ માટે કર્મચારીઓ હડતાળ પર જશે. ગુજરાતમાં ૨૦ હજાર જેટલા બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે.

સેન્ટ્રલ લેબર કમિશ્નરની ઓફિસમાં આજે સોમવારે બેંક કર્મચારી યુનિયનો અને સરકાર વચ્ચે સમાધાન માટે એક બેઠક મળી હતી જેમાં નાણા મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર હતા અને તેઓએ આ હડતાળ પાછી ખેંચવા માટે અનુરોધ કર્યો હતો. પરંતુ આ બેઠકમાં કોઈ નિવેડો ન આવતા બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કરવા માટે હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

આ હડતાળના કારણે આખા ગુજરાત ભરમાં રાષ્ટ્રિયકૃત બેન્કોની ૪,૦૦૦થી વધુ બ્રાન્ચો એક દિવસ માટે બંધ રહેશે. જનક રાવલના જણાવ્યા પ્રમાણે આના લીધે રાજ્યમાં રૂ. ૧૫ હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થઇ શકે છે. વિશ્વભરમાં જ્યાં પણ બેન્કોનું જોડાણ થયું છે ત્યાં બેંક કર્મચારીઓની નોકરીઓ જોખમમાં મુકાઇ હતી.

Previous articleમહારાષ્ટ્ર-હરિયાણામાં શાંતિપૂર્ણ મતદાન
Next articleબૂખારાના ગર્વનર સાથે મુખ્યમંત્રીની ફળદાયી બેઠક