દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે. અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને વીડિયો વાઇરલ થયા તેની અસર માર્કેટમાં જોવા મળી રહી છે.
નડિયાદ નજીક ડાકોર રોડ ઉપર છેલ્લા અનેક વર્ષોથી માટીની વસ્તુઓ બનાવતા બાબુભાઇ પ્રજાપતિ સાથે દિવાળીના તેમના વેપારને લઇને વાતચીત કરતાં તેઓએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ આ વર્ષે માંગમાં વધારો થયો છે. સિઝન દરમિયાન અમે ૨૫ હજારથી વધુ કોડિયાનું વેચાણ કરીએ છીએ. મારા પિતા અને દાદા વખતથી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ અને અમારી આવનારી પેઢી પણ આજ વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ વર્ષે ૧૦૦૦ કોડિયાના ૫૫૦ થી ૬૦૦ રૂ. મળે છે. ખાસ કરીને વેપારીઓ જ અમારી પાસેથી જથ્થાબંધ કોડિયાની ખરીદી કરે છે.