વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ પ્રોજેક્ટનો પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ વિરોધ કર્યો છે. પ્રતિમા અને વિવિધ પ્રોજેક્ટ્સ માટે જે લોકોએ જમીન ગુમાવી છે તે લોકો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. આ લોકોને અમદાવાદ લઇ આવીને સુરેશ મહેતાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા હતાં.
આ પત્રકાર પરિષદમાં માજી મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, ’સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આવેલા છ ગામોમાં અનેક સમસ્યાઓ છે. રાજ્ય સરકારે સમસ્યાનું કોઇ નિરાકરણ કર્યું નથી. ૧૯૬૦માં નવાગામ, લીમડી, ગોરા, વાગડિયા, કેવડીયા અને કોઠી ગામની જમીન સરદાર સરોવર ડેમ બનાવવાના હેતુથી સંપાદિત કરાઈ હતી. પરંતુ, ડેમ છ કિલોમીટર દૂર બાંધવામાં આવ્યો હતો. હવે પર્યટન સ્થળ બનાવવાના હેતુથી આ છ ગામની જમીન ઉપર શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ કરાઈ રહ્યુ છે. જેથી જમીન સંપાદન ધારા ૨૦૧૩ની કલમ ૨૪ નો ભંગ કરાયો છે. સરકારે જમીન સંપાદન કરતી વખતે આદિવાસીઓને રોજગારી આપવાની પણ વાત કરી હતી. પરંતુ, અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને રોજગારી મળી નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ રોજગારી આપવાનું વચન અપાયુ હતું. આ પ્રોજેક્ટમાં પણ એક પણ આદિવાસીને રોજગારી અપાઈ નથી’