આણંદ રેલવે સ્ટેશન પર સફાઈ કામદારોને મસ્ટર પર દર્શાવેલા દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવતા હોબાળો મચ્યો હતો. રેલવે સ્ટેશનમાં સફાઇ માટેનો કોન્ટ્રાક્ટ રાજસ્થાનના કોન્ટ્રાક્ટરે રાખ્યો છે. છેલ્લા ૬ માસથી કોન્ટ્રાક્ટ પર વર્ષો જૂના ૪૨ સફાઇ કામદારો કામ કરી રહ્યાં છે. તેઓને છેલ્લા કેટલાય સમયથી દૈનિક વેતન પેટે માત્ર રૂા ૨૫૦ ચુકવવામાં આવ્યા છે. તાજેતરમાં મસ્ટર પર સફાઇ કામદારોને દૈનિક વેતન પેટે રૂા ૩૯૦માં સહી કરવાનું કહેતા સફાઇ કામદારોએના પાડી હતી. તેઓને ૬ માસ બાદ મસ્ટર આવ્યું ત્યારે ખબર પડી કે દૈનિક ૧૪૦ રૂપિયા ઓછાં આપવામાં આવે છે. જેથી સફાઇ કામદારો ભેગા મળીને સોમવારે કામથી અળગા રહીને કોન્ટ્રાકટર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. દૈનિક વેતન પૂરેપૂરું ચુકવવાની માંગ કરી હતી.
કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદાર તરીકે કામ કરતાં જયદેવ વાઘેલાએ જણાવ્યું હતું કે, ૬ માસ અગાઉ રાજસ્થાન સી.એલ.મીણાને આણંદ રેલવે સ્ટેશન પર સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેઓએ શરૂઆતથી કોન્ટ્રાક્ટ બેજ પર ૪૨ સફાઇ કામદારોને પાસે કામ કરાવતા હતા. તેઓએ દૈનિક માત્ર ૨૫૦ લેખે પગાર ચુકવતા હતા. તેઓ શરૂઆત મસ્ટર બતાવતા ન હતા. જો કે જયાં સુધી રેલવે તંત્રની મંજૂરી ના મળે ત્યાં સુધી મસ્ટર મળ્યું ન હતું. તાજેતરમાં મસ્ટર પર સફાઇ કામદારોને નામ સાથે દૈનિક વેતન દર્શાવવામાં આવ્યું હતું. જેમાં દૈનિક વેતનના રૂા.૩૯૦ દર્શાવ્યા હતા. તેમ છતાં તેઓ એક સફાઇ કામદારોને માત્ર ૨૫૦ ચુકવતા હતા.