વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં કોંગ્રેસના અસંતુષ્ટ અને ભાજપના સભ્યોને પહેલે તબક્કે પછડાટ મળી છે અને ઉપ પ્રમુખ સ્વામી અવિશ્વાસની દરખાસ્ત માટે મળેલી ખાસ સભા મુલતવી રહેતા દરખાસ્તનો ફિયાસ્કો થયો છે.
વડોદરા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ એમ આઈ પટેલ સામે કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના નેજા હેઠળ વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પન્ના બેન ભટ્ટના જૂથ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં બોલાવવામાં આવેલી ખાસ સભામાં ઉપપ્રમુખનો ફ્લોર ટેસ્ટ થનાર હતો.
ઉપપ્રમુખ સામે દરખાસ્ત પસાર કરવા માટે કોંગ્રેસના અસંતુષ્ટ જૂથ દ્વારા સામ, દામ, દંડ અને ભેદના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપના ૧૪ સભ્યો દ્વારા તેને ટેકો આપવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસના ૧૪ સભ્યો પગ સાથે રહેવાના સોગંદ લઈ અડીખમ રહ્યા હતા અને તેમણે પ્રલોભનોને ફગાવી દીધા હતા.
ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે કુલ ૩૬માંથી ૨૪ સભ્યોની જરૂર હતી પરંતુ કોંગ્રેસના અસંતુષ્ટ અને ભાજપ જૂથ પાસે માત્ર ૨૧ સભ્યોની સંખ્યા થતી હોવાથી તેઓ સભાગૃહમાં હાજર રહ્યા ન હતા. એક કલાક સુધી રાહ જોયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટેની આજની સભા તા ૨૪મી ઉપર મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. જેથી ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ફિયાસ્કો થયો હતો.