તમામ ખાતા ધારકોના પૈસા બિલકુલ સુરક્ષિત : આરબીઆઈ

345

કૌભાંડના કારણે ભારતીય નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (પીએમસી) બેંકના દેખાવકારો ખાતા ધારકોની આજે ભારતીય રિઝર્વ બેંકની સાથે બેઠક પૂર્ણ થઇ ચુકી છે. બેઠક દરમિયાન આરબીઆઈએ ખાતરી આપતા કહ્યું હતું કે, ખાતાધારકોના પૈસા કોઇ પણ રીતે આગળ પાછળ થશે નહીં. ખાતા ધારકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. કેન્દ્રીય બેંકના ગવર્નર આ મામલામાં પોતે નજર રાખી રહ્યા છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે, તે આ મામલાની માહિતી કેન્દ્ર સરકારને આપશે. સાથે સાથે આને લઇને ૨૭મી ઓક્ટોબરના દિવસે એક પત્રકાર પરિષદ પણ કરશે. ખાતા ધારકોએ આજે બેઠક બાદ કહ્યું હતું કે, તેમની આરબીઆઈ સાથે ૧૯ મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ છે. તેઓએ આ મામલાને ઉકેલવા માટે કેન્દ્રીય બેંકને ૩૦મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આરબીઆઈએ છ મહિના માટે બેંકમાંથી પૈસા ઉપાડવાની ૪૦૦૦૦ની મર્યાદા આપી દીધી છે જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી રહી છે. સ્થિતિ એ છે કે, ખાતામાં પૈસા હોવા છતાં બાળકોની ફીથી લઇને સારવાર સુધીનો ખર્ચ પણ ખાતાધારકો ઉપાડી શકતા નથી. આ ઉપરાંત આ સંકટના કારણે હજુ સુધી બેંકના ચાર ધારકોના મોત પણ થઇ ચુક્યા છે. બેંકના ગ્રાહકોને તેમની આજીવન પરસેવાની કમાણી ડુબી જવાનો ભય સતાવી રહ્યો છે. જે લોકોએ પોતાના બચત ખાતા અને એફડી તરીકે બેંકમાં જમા રાખ્યા છે તેમને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇના એક કારોબારી એમએ ચૌધરીએ કહ્યું છે કે, પીએમસી બેંક દ્વારા જારી ચેક બાઉન્સ કરવાના પરિણામ સ્વરુપે પોતાના કર્મચારીઓને સેલરી આપી શકવાની સ્થિતિ નથી. સાથે સાથે વિજળી બિલ પણ ભરી શકતા નથી. બેંકના મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસે બેંક ઉપર મુકવામાં આવેલા નિયંત્રણોના સંદર્ભમાં ગ્રાહકોને એક મેસેજ મોકલ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, છ મહિનામાં માત્ર ૧૦૦૦ રૂપિયા જ ખાતામાંથી ઉપાડી શકાય છે. ત્યારબાદ બેંક સાથે કૌભાંડ કરનાર કંપની ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રમોટરો રાકેશ અને સારંગ વાધવાનની સાથે ફોરજરીના મામલામાં ધરપકડ કરી લેવામાં આવી હતી. કૌભાંડને લઇને જોરદાર ચર્ચા દેશભરમાં સાંભલવા મળી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ જોય થોમસના નેતૃત્વમાં બેંક મેનેજમેન્ટે કન્સ્ટ્રક્શન કંપની એચડીઆઈએલને ફંડ અપાવવા માટે હજારો ડમી ખાતાઓ ખોલાવ્યા હતા અને છેલ્લા ૧૦ વર્ષથી આ રમત ચાલી રહી હતી. આરબીઆઈએ હવે ખાતાધારકોને ખાતરી આપતા રાહત થઇ છે.

Previous articleટેલિકોમ ઓપરેટરોએ કુલ ૪,૫૦૦ કરોડ ચુકવી દીધા
Next articleચિદમ્બરમને જામીન પરંતુ હાલ તિહારમાં રહેવુ પડશે