બેંકોના એકીકરણ અંગે સરકારની રિતી-નીતિ સામે બેંક વર્કસ યુનિયન દ્વારા ભાવનગર સહિત દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે બેંક કર્મચારીઓએ હડતાલ પાડી હતી. જેમાં ખાસ કરીને આજે ભાવનગર શહેરનાં વાઘાવાડી રોડ પર આવેલ સુરભી મોલ નજીક આવેલ યશ બેંક પાસે તમામ બેંક કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. ભાવનગરની ૧૯ બેંકોની ૧પ૦થી વધુ શાખાઓમાં બેંક કામગીરી આજે બંધ રહેતા ૧પ૦ કરોડનાં દૈનિક ટ્રાજેકશન પર અસર થઈ હતી. દિવાળીના સમયે બેંકો બંધ રહેતા બેંક ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હજુ બેંક કર્મચારીઓને માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો હડતાલ લાંબી ખેંચાશે જેનો ભોગ બેંક ખાતેદારોએ બનવું પડશે.
સરકારના દસ બેંકોના ચાર બેંકમાં એકીકરણના નિર્ણયને કારણે આજરોજ દેશ વ્યાપી બેંક હડતાલ પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, સિન્ડીકેટ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા સહિત છ બેંકો બંધ થશે અને પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકમાં સમાવિષ્ટ થશેે. સરકારના નિર્ણયને કારણે જે બેંકોને અન્ય બેંકોમાં સમાવિષ્ટ કરવામાં આવશે તેને કારણે બેંકોની શાખાઓ સમયાંતરે બંધ થશે. સામાન્ય જનસમુદાયને બેકીંગ સેવાથી વંચિત રહેવું પડશે.
એકીકરણથી બેંકોની શાખાઓ બંધ થયેલ છે તે એસબીઆઈમાં છ બેંકોનો સમાવેશ કરવામાં આવેલ તેને કારણે સરકારના કથન મુજબ ૬૯પ૦ શાખાઓ બેંધ થયેલ છે. બેંક ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકના સમાવેશ થવાને કારણે લગભગ ૧૬પ૦ શાખાઓ બંધ થશે. માર્ચ-ર૦ર૦ સુધીમાં પ૩૦ શાખાઓ બંધ થશે.ત ેવું જાહેર કરેલ છે. બેંકોમાં દર વૃષે લગભગ એક લાખ નવયુવાનોને નોકરી આપવામાં આવતી હતી. બેંકોની સંખ્યા અને શાખાઓ બંધ થવાને કારણે નવી રોજગારીની તકો ઉભી નહીં થાય.
ગઈકાલે ચીફ લેબર કમિશનર તરફથી સમાધાનના પ્રયાસ માટે દીલ્હી મુકામે મિટીંગ બોલાવેલ આઈબીએ તરફથી હડતાલ ન પાડવા અપીલ કરવામાં આવેલ પરંતુ સરકાર તરફથી મર્જર બેન્કીંગ રીફોર્મ બાબત કોઈ સમાધાનની તૈયારી બતાવેલ નહીં તેથી હડતાલ યથાવત રાખા નિર્ણય લેવાયો હતો. બેંક કર્મચારીઓ સરકારની અવળી આર્થિક નીતિ અને જન સામાન્ય વિરોધીની એકીકરણની નીતિના વિરોધમાં આજે તા. રરને મંગળવારે ભાવનગર સહિતની બેંકોમાં હડતાલ પાડવામાં આવી હતી. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ યશ બેંકના પટાંગણમાં બેંક કર્મચારીઓએ એકત્રીત થઈ સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં.