મુંબઈના દિગ્ગજ ઓલરાઉન્ડર અભિષેક નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે મંગળવારે કહ્યું હતું કે, મેં ગયા મહિને બીસીસીઆઈ અને મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને મારા નિવૃત્તિના નિર્ણય અંગે જાણ કરી હતી. તે સમયે હું વેસ્ટ ઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં ટી નાઈટ રાઈડર્સને મદદ કરી રહ્યો હતો. મેં બંને ક્રિકેટિંગ બોડી, મારા કોચ, સાથી ખેલાડીઓ, પરિવાર અને મિત્રોનો આભાર માન્યો છે કે જેમણે આ જર્ની દરમિયાન મારો સાથ આપ્યો હતો.૩૬ વર્ષીય નાયર ૧૦૩ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ અને પુડુચેરી માટે રમ્યો હતો. ભારત માટે તેને ત્રણ વનડેમાં તક મળી હતી. પરંતુ તેમાં નાયરે એકપણ રન કર્યો ન હતો અને તેમજ વિકેટ ઝડપવામાં પણ નિષ્ફ્ળ રહ્યો હતો. જોકે તેનું ફર્સ્ટ ક્લાસ શાનદાર રહ્યું હતું. તેણે ૪૫.૬૨ની એવરેજથી ૧૩ સદી અને ૩૨ ફિફટી સહિત ૫૭૪૯ રન કર્યા હતા. ૨૫૯ તેનો સર્વાધિક સ્કોર રહ્યો હતો. તેણે ૩૧.૪૭ની એવરેજથી ૧૭૩ વિકેટ લીધી હતી અને ૬ વાર એક ઇનિંગ્સમાં ૫ વિકેટ લીધી હતી.
નાયર આઇપીએલની આગામી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના આસિસ્ટન કોચ તરીકે ફરજ નિભાવશે. ન્યૂઝીલેન્ડનો પૂર્વ કપ્તાન બ્રેન્ડન મેક્કુલમ નાઈટ રાઈડર્સનો હેડ કોચ છે. નાયરે કહ્યું કે, હું ખુશ છું કે કે મને મુંબઈ માટે ૯૯ મેચ રમવાની તક મળી હતી.
હું છેલ્લા શ્વાસ સુધી ક્રિકેટર્સને મદદ કરવાનું ચાલુ રાખીશ.