શહેરની એક જાણીતી સંસ્થા અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જીવ સેવાનો નવો રાહ ચિંધ્યો છે. આ ગ્રુપ માત્ર જીવ સેવા જ નહીં પરંતુ વ્યક્તિમાં વ્યાપ્ત દંભ, અહંકારને ઓગાળી સંસાર પથના આદર્શ માનવીનું ઘડતર પણ કરે છે. ગરવા ગોહિલવાડ અને આપણા ભાવસભર ભાવેણાના આંગણે અનેક વિરલ જીવડાઓ વસે છે જેણે સંસાર જીવનના અનેક પ્રાણસમા પાયાઓ જીવંત રાખ્યા છે. જેમાં દાન, કરૂણા, જીવ સેવા સહિતના પાસાઓ સામેલ છે અને જેના થકી દુનિયાભરમાં ભાવેણાનું નામ આજે પણ ઉઝળુ છે. પ્રત્યેક ભાવનગરી ગર્વ લઈ શકે તેવી ખ્યાતનામ કિર્તી ભાવનગર સાથે જોડાયેલી છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં અનેક સંસ્થાઓ દ્વારા નિઃસ્વાર્થભાવે જીવસેવા દિનદુઃખીયાઓની સેવા-ચાકરી તથા મદદ વડે માનવતાની ખરી મહેક મહેકાવી છે. પરંતુ આ સંસ્થાઓથી પર એક એવી સંસ્થા કે જેણે સેવાનો નવો ચિલો ચિતર્યો છે. આ ગ્રુપમાં મહત્વની બાબત એ છે કે આજની વ્યસ્ત લાઈફ અને સમયની મહામારી વચ્ચે પણ સદ્દગૃહસ્થોની મહિલાઓ સેવામાં અગ્રેસર છે.
મુળ વાત સકળ જૈન શાસન સમુદાયના અનેક મહાન તપસ્વીઓ પૈકી એક એવા યુગ દિવાકર અને રાષ્ટ્ર સંતનું બિરૂદ પ્રાપ્ત પૂ.નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા થકી રાજ્યના અનેક શહેરોમાં ‘અર્હમ’ યુવા સેવા ગ્રુપ ના નામે જીવ સેવા અને દરિદ્ર નારાયણની અલગ-અલગ ભાવે સેવા કરવામાં આવી રહી છે ત્યારે ભાવેણામાં પણ આજથી થોડા વર્ષ પૂર્વે સેવાભાવીઓ દ્વારા અને પૂ.ગુરૂદેવ નમ્ર મુની મહારાજ સાહેબના શુભ આશિષથી અર્હમ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. આ ગ્રુપમાં રપ જેટલા સભ્યો છે. જેઓ ઋતુ અનુસાર તથા જરૂરીયાત મુજબ સેવાનો વિશાળ સમીયાણો રૂડો ચલાવી પરભવનું ભાથુ બાંધી રહ્યાં છે. હાલના ઉનાળાના સમયમાં ઘર આંગણનું માનીતું પંખી ચકલીને બચાવવા માટે દર રવિવારે માળા, પાણી-કુંડાનું વિતરણ કરવામાં આવે છે તથા બપોરના બળબળતા તાપમાં દુઃખીદિનજનોના પેટ ઠારવા ઠંડી છાશ અને પીવાના પાણીના કેન્દ્રો ખોલવામાં આવશે. શિયાળાના સમયમાં ઠંડીથી ધ્રુજતા લોકોને ગરમ ધાબળા, વસ્ત્રોનું વિતરણ તથા રાંક પરિવારના ભુલકાઓને ખજુર મિશ્રિત દૂધ આપી યોગ્ય સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત ગૌવંશ, ગૌસેવા, વૃધ્ધો, નિરાધાર લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રદાન કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ પુર, વાવાઝોડુ, ભુકંપ, અકસ્માત જેવી હોનારત સમયે પણ કપડા, અનાજ, ભોજન સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. તો બીજી તરફ સમાજથી વિલિપ્ત રહેતા લોકો-બાળકોને તહેવાર પ્રસંગે મિઠાઈ-ફરસાણનું વિતરણ કરવામાં આવે છે.
આ ગ્રુપ સભ્યો તથા લોકોના અનુદાન થકી ચલાવવામાં આવે છે. અલગ-અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસતારોમાં લોકોના ઘરે-ઘરે ફરી છાપા-પસ્તી એકઠી કરી તેનું વેચાણ કરી પ્રાપ્ત થતી રકમમાંથી સેવાના સદ્દકાર્યો કરે છે. કોઈપણ લોકો પાસેથી ફંડ ફાળો કે દાન માટે દબાણ કરવામાં આવતું નથી. લોકો પોતાની ઈચ્છા અનુસાર દાન આપે છે. આ ગ્રુપના સભ્યો વેલ એજ્યુકેટેડ હોવા ઉપરાંત અત્યંત વિનમ્ર અને મદદ માટે કોઈપણ સમયે તત્પર રહે છે. આવા ઉઝળા સેવા કાર્ય થકી માનવતાની મહેક સાથે સમાજને આદર્શ પથ દર્શનનું કાર્ય કરી ભાવેણાની ખરી ઓળખ આપી રહ્યાં છે. પ્રત્યેક કાર્યમાં અર્હમ યુવા સેવા ગ્રુપ ના સ્વીટીબેન ભાયાણી, જયેશભાઈ મહેતા, નિલેશભાઈ સંઘરાજકા, નિસર્ગભાઈ રાઠોડ, બિઝલભાઈ કોઠારી, રીંકુબેન ભાયાણી, અમીબેન અજમેરા તથા પરાગભાઈ ગાંધી સહિતનાઓની સેવા પ્રસંશનિય છે.
સંતના શબ્દો થકી સેવા પણ સરળ બને છે
ગ્રુપના મોટાભાગના સભ્યો સાધન સંપન્ન છે પરંતુ માર્થના કાર્ય અર્થે ભૌતિક સુખોનો ત્યાગ કરી ગમે તેવા પરિશ્રમ માટે પણ તૈયાર રહે છે. અમારા ગ્રુપના લોકો પસ્તી કલેક્શન અર્થે ઘરે-ઘરે ફરે ત્યારે તમામ લોકો સહયોગ આપે તેવું નથી હોતું. કેટલીક વાર લોકોના કટુવચનો પણ સાંભળવા પડે છે. વિચાર્યુ પણ ન હોય તેવો વ્યવહાર પણ થાય છે પરંતુ પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા છે કે સેવાના કાર્ય થકી અહંકાર નિર્મૂળ થાય છે. કડવી વાણી કહેનાર વ્યક્તિને પણ નમ્રતાપૂર્વક જય જીનેન્દ્ર કહી નિકળતી જઈએ. સમગ્ર વાતનો ભાવાર્થ એ છે કે, તમે ગમે તેટલા સધ્ધર હોય સેવા કાર્ય અર્થે ભીક્ષા વૃત્તિ જેવું કાર્ય કરવાની તક મળે તો તે તક ઝડપી લેવી જોઈએ અને આ પથમાં આવતી તકલીફો થકી દંભ, અહંકાર અને હુપદથી છુટકારે મળે છે.
– સ્વીટીબેન ભાયાણી,
સભ્ય, અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગર