સુરતના રાંદેર રોડ પર આવેલા ખાડા કૂવા પાસે રહેતા કમલ પટેલના લગ્ન ખુશ્બૂ સાથે થતા હતા. જોકે, તેની પત્ની ખુશ્બૂ તુષાર નામના એક યુવાનને પ્રેમ કરતી હતી. સોમવારે કમલ અને તુષારનો મૃતદેહ ઓલપાડના કોસમગામ સીમમાં આવેલા વરિયાવ તળાવમાંથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા કમલનું મોટર સાઇકલ અને તુષારની બેગ મળી આવી હતી. પોલીસને આ યુવાનની હત્યા લૂંટના ઇરાદે ન થયાનું લાગતા વધુ તપાસ હાથ ધરી હતી.
કમલની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેણે પ્રેમી તુષારને પામવા માટે પતિને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. જેના ભાગરૂપે ગતરોજ પતિ સાથે ઓલપાડના સેગવા ગામે મોટરસાઇકલ પર જવા નીકળી હતી. પોતે પતિ સાથે નીકળી હોવાની જાણકારી તેણે પ્રેમી તુષારને પહેલેથી જ આપી દીધી હતી. કમલ કોસમગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે જ તેની પત્નીના પ્રેમીએ રસ્તામાં તેની બાઇક અટકાવી હતી. જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોત જોતામાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. બંને મારામારી કરતાં કરતાં બાજુમાં આવેલા તળાવમાં પડ્યા હતા અને બંનેનાં મોત થયા હતા. આ મામલે મૃતક કમલના પિતા યોગેશભાઈએ જહાંગીરપુરા પોલીસ મથકમાં પુત્રવધૂ ખુશ્બૂ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ખુશ્બૂની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુશ્બૂએ કબૂલાત કરતા તેની ધરપકડ કરી છે.