હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ રોડ પર શાંકુતલ ચેમ્બર્સમાં આવેલ ન્યૂ લાઇફ ગાયનેક હોસ્પિટલમાં મંગળવારના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે બે શખ્સો આવી અને તબીબ અંગે પૂછપરછ કરી ઓપરેશન થિયેટરમાં ઘૂસી ગયા હતા અને ઓપરેશન ટેબલ પર લીધેલ મહિલા સાથેનો વીડિયો લેવાનુ શરૂ કરતા તબીબે વગર મંજૂરીએ ઓટી.માં કેમ આવ્યા તેમ કહી ટપારતા બંનેએ પોતે પત્રકાર હોવાની ઓળખ આપી તબીબ દિવ્યેશકુમાર મનહરભાઇ પટેલને દમ ભીડાવવો શરૂ કર્યો હતો.
પત્રકાર તરીકે ઓળખ આપનાર ભિખુસિંહ કચરસિંહ પરમાર (રહે. બેરણા) અને મનોજકુમાર વણકર (રહે. હડીયોલ) બંનેએ તમે ખોટા એબોર્શન કરો છો તમને ખૂલ્લા કરી દઇશુની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. આવડી મોટી રકમની માંગણી થતા તબીબ પણ ચોંકી ગયા હતા અને બનાવટી પત્રકારો હોવાનો ખ્યાલ આવી જતા બંને સાથે બાર્ગેનીંગ શરુ કર્યું હતુ અને આખરે રૂ.૧૦ હજાર સુધી નીચે આવી જતા શક પાકો થઇ જતા તબીબે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી તથા તમામ ઘટના ક્રમનુ રેકોર્ડીંગ પણ થઇ ગયુ હતું.
બી ડિવિઝન પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહીલે જણાવ્યુ કે પોલીસને પહોંચવા દરમિયાન મનોજકુમાર વણકર નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો અને ભિખુસિંહ પરમાર ઉર્ફે પેન્ટરને ઝડપી આઇપીસી ૩૮૪-બળજબરીથી નાણાં કઢાવવા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.