સુરતના સરથાણા શ્યામધામ મંદિરની પાસે લક્ઝરી બસની ટિકિટ લેવા માટે આવેલા શખ્સને પોલીસે ગતરોજ ઝડપી પડ્યો હતો. પકડાયેલો આરોપી છેલ્લા પાંચ મહિનાથી ભાવનગર પોલીસથી ભાગતો ફરતો હતો. આરોપીએ ભાવનગર જિલ્લાના માંડવી ગામે રહેતા ખેડૂત લાલજીભાઈ ધાનાણીને હનીટ્રેપમાં ફસાવાનું કાવતરું ઘડ્યું હતું. જે પ્રમાણે ખેડૂતના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ ખેડૂત સાથે મીઠી મીઠી વાતો કરીને તેને મળવા બોલાવ્યા હતા. ખેડૂત મહિલાને મળવા પહોંચ્યા ત્યારે મહિલાના સાથીદારો આવી પહોંચ્યા હતા અને ખેડૂત પાસેથી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરીને તેનું અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ ખેડૂતે પૈસા માટે પોતાના પરિવારનો સંપર્ક કરતા આ મામલે પરિવારે પોલીસની મદદ માંગી હતી. પોલીસે અપહરણ અને ખંડણીની ઘટનાને ગંભીરતાથી લેતા તપાસનો દૌર શરૂ કર્યો હતો અને જેતે સમયે ગારીયાધાર પોલીસે ૩ મહિલા સહિત ૫ લોકોને ઝડપી લીધા હતા અને ખેડૂતનો છોડાવ્યો હતો. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મહેશ બારૈયા પોલીસની પકડમાં આવ્યો ન હતો. બનાવ બાદ તે સુરત રહેવા આવી ગયો હતો. જે બાદ સુરત પોલીસ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે આ આરોપી અગાઉ અમરેલી પોલીસના હાથે પણ હનીટ્રેપના ગુનામાં પકડાયો હતો.