રાજ્યમાં હાલ, ડેન્ગ્યૂ, કોગો ફિવર, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો ફાટી નીકળ્યા છે, જેના કારણે અનેક હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ત્યારે આજે એક ગુજરાતી લોકગાયિકા ડેન્ગ્યૂની ઝપેટમાં આવી હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે.
કચ્છમાં ડેન્ગ્યૂનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતી લોકલાડિલી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. ગીતા રબારીને છેલ્લા બે દિવસથી સામાન્ય તાવ આવતો હતો, ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમનો રિપોર્ટ કરતા મંગળવારે સાંજે ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગીતા રબારીને ડેન્ગ્યૂ થતા તેમના દેશ વિદેશના અનેક પ્રશંસકોમાં નિરાશા વ્યાપી ગઇ છે. હાલ ગીતા રબારી ડોક્ટરોની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે.
બીજી બાજુ, દર્દીઓ માટે ભગવાન ગણાતા સર્જન જ રોગચાળાના ભરડામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે સિવિલ સર્જન અને ૭ ડોક્ટરો પણ ડેન્ગ્યૂના ભરાડામાં આવ્યા છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો પોતે જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા અમદાવાદની જુદી જુદી મેડિકલ કોલેજોના આશરે ૧૦૦ જેટલા રેસિડેન્ટ ડોકટરો બીમાર થયા છે.