ધનતેરસથી વરસાદની સિસ્ટમ નબળી પડશે, મેઘરાજા નહીં બગાડે દિવાળી

477

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે મંગળવારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. હજી આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દરમિયાન ચીખલીમાં સૌથી વધુ સવા બે ઇંચ અને ગણદેવીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત, વલસાડ, તાપી સહિતનાં વિસ્તારમાં છૂટોછૂવાયો વરસાદ પડ્યો હતો.

ચીખલી ઉપરાંત સુરત, વલસાડ, વાપી, તાપી અને ડાંગનાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. સુરત શહેરમાં બપોરે અઠવાગેટ, ઉધના દરવાજા, ઉધના વિસ્તારમાં વરસાદ પડયો હતો. જ્યારે અન્ય વિસ્તાર કોરોકટ જોવા મળ્યો હતો. જ્યારે સાંજના છેડે પાલ, અડાજણ, સિટીલાઇટ, વેસુ તરફના વિસ્તારમાં વરસાદ નોંધયો હતો. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી.

છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે જગતનો તાતની ચિંતા વધી ગઇ છે.

ડાંગર, જુવાર અને શાકભાજીનાં પાકને નુકસાન પહોંચ્યું છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, તાપીના ખેડૂતોએ ડાંગરનો પાક કાપીને ખેતરમાં જ રાખ્યો હતો. ત્યારે જ વરસાદ પડતા ડાંગરની બોરી અને કાપીને ખેતરમાં તૈયાર રાખેલું ડાંગર ભીંજાય ગયું છે. તેવી જ રીતે જુવાર, સોયાબિન, અડદ, મકાઇ, મરચાંના પાકને પણ નુકસાન થયું છે.

Previous articleબનાસ ડેરીની દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ, ફેટના ભાવમાં કિલોએ ૧૫નો વધારો
Next articleડભોડિયા હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશને લઇને તૈયારીઓ