વડોદરાના વોર્ડ નંબર-૧૩ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

370

વડોદરાના વોર્ડ નં-૧૩ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલ ગોહિલનો ૧૬૩૬ મતે વિજય થઇને કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. આઠ રાઉન્ડની મતગણતરીમાં સતત છ રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત મેળવ્યા હતા. માત્ર છેલ્લા બે રાઉન્ડમાં જ કોંગ્રેસના ઉમેદવારે વધુ મત મેળવ્યા હતા. ૧૬૦૧૩ મતદારોના મતદાનમાં ૧૮૯ નોટાને મત ગયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં-૧૩ની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. ભાજપાના ઉમેદવાર ગોપાલ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોર વચ્ચે સીધો જંગ હતો. આજે સવારે આઠ વાગ્યાથી બરોડા હાઇસ્કૂલ (બગીખાના) ખાતે મતગણતરી  હાથ ધરાઇ હતી. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ગોપાલ ગોહિલને ૮૭૩૦ મત અને કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોરને ૭૦૯૪ મત મળ્યા હતા. મતગણતરીના અંતે ભાજપના ગોપાલ ગોહિલનો ૧૬૩૬ મતે વિજય થયો હતો.

વોર્ડ નંબર ૧૩ જે બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. તે બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. તેમનું નિધન થતાં તેમના સ્થાને કોંગ્રેસે તેમના દિકરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.  આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા હતા. છતાં માત્ર ૨૫.૬૬ ટકા મતદાન થયું હતું. મતગણતરીના અંતે ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપના સમર્થકોએ સૂત્રોચ્ચારથી કેમ્પસ ગજવી મૂક્યુ હતુ.

વિજેતા ગોપાલ ગોહીલને અભિનંદન આપવા માટે શહેર પ્રમુખ તથા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો. જીગીશાબેન શેઠ, ધારાસભ્ય સીમાબેન મોહીલે, પૂર્વ સાંસદ બાળુ શુકલા સહિત મહાનુભાવો પહોચી ગયા હતા.

કોંગ્રેસના પરાજીત ઉમેદવાર દેવાંગ ઠાકોરે જણાવ્યું કે, વોર્ડ નં-૧૩ના મતદારોએ આપેલ જનાદેશ સ્વીકારૂ છુ. વિસ્તારના લોકો માટે અગાઉ પણ કામ કરતો આવ્યો છું. અને આગામી દિવસોમાં પણ કરતો રહીશ. આ વિસ્તારના રહીશોનો અવાજ બનીશ.

Previous articleયુવકે મહિલાની છેડતી કરતા બેભાન થયેલી મહિલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાઈ
Next articleમુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે